Mysamachar.in-જામનગર:
જામનગરની એક મહિલાએ ગાંધીનગરમાં પતિ તથા સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધાંના મામલામાં આ મૃતકના ભાઈ દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકે વિસ્તૃત ફરિયાદ અરજી આપવામાં આવી છે, જેમાં ત્રાસ સંબંધી ચોંકાવનારી વિગતો લખવામાં આવી છે. ફરિયાદી મૃતક મહિલાના સગા ભાઇ છે અને જામનગર મહેસુલ સેવા સદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજો બજાવે છે.
જામનગરમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અંબરિષ જાનીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ અરજી દાખલ કરાવી છે. અરજીમાં જણાવ્યું છે કે, મૃતક ઉર્વશી મેહુલ ત્રિવેદી, રહે. ગાંધીનગર તેમના બહેન છે. અને, ઉર્વશીબહેને પતિ મેહુલ ત્રિવેદી, દિયર અજય ત્રિવેદી અને અજય ત્રિવેદીના પત્ની નિધિ અજય ત્રિવેદીના ત્રાસથી આપઘાત કરી લીધેલ છે. જેમની વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહીઓ કરવા આ મામલામાં માંગણી કરવામાં આવી છે.
આ ફરિયાદ અરજીમાં જણાવાયું છે કે, ઉર્વશીબહેનના મોત અંગે પતિ કે સાસરિયા પક્ષ દ્વારા મૃતકના ભાઈ કે પિયરપક્ષના પરિવારજનોને જાણ પણ કરવામાં આવી નથી. કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા આ જાણકારીઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત એમ પણ જણાવાયું છે કે, મૃતક ઉર્વશીબહેનને મારકૂટ થતી, દહેજ અંગે ત્રાસ આપવામાં આવતો, પતિ દ્વારા નાણાંની માંગણીઓ કરવામાં આવતી. બંને પરિવારો વચ્ચે ખાસ કોઈ સંબંધ પણ રહ્યા ન હતાં. મૃતકના પતિ વગેરે સગા વગદાર હોવાનું અને મૃતકના ભાઈ(અરજદાર)ને પણ ધમકી આપતાં હોવાનું આ ફરિયાદ અરજીમાં જણાવાયું છે. અરજીમાં પતિ સહિતના કસૂરવારોની તાકીદે ધરપકડની પણ માંગ થઇ છે અને ધડારૂપ કાર્યવાહીઓની માંગણી કરવામાં આવી છે.(symbolic image)