Mysamachar.in-અમદાવાદ:
મોટાભાગના લોકો માટે ઘરનું ઘર પ્રાથમિક બાબત બની ચૂકી હોય, રિઅલ એસ્ટેટ ક્ષેત્ર અતિ ઝડપે વિકસી રહ્યું છે, બેંકો પણ ખૂબ જ ઉદારતાથી લોન્સના રૂપમાં રૂપિયાનો ઢગલો કરી રહી છે, આ સ્થિતિઓનો ગેરલાભ લેનારાઓની પણ કમી નથી. ઘણાં બિલ્ડર્સ સંભવિત ગ્રાહકોને જાહેરાતોના માધ્યમથી આંબા આંબલી દેખાડે, લલચાવે અને સુવિધાઓ કે બાંધકામ બાબતે ઘણાં કિસ્સાઓમાં ‘રોન’ પણ કાઢતા હોય છે પરંતુ ગ્રાહકોના હિતોની બાબતમાં ગુજરાત ‘રેરા’ કડક વલણ અખત્યાર કરી રહ્યું છે અને આ પ્રકારના બિલ્ડર્સનો કાન આમળી રહ્યું છે. આ સંદર્ભમાં એક કેસ જાણવાલાયક છે.
ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી RERA એ એક બિલ્ડરને વડોદરામાં આવેલી એક સોસાયટીમાં સ્વિમિંગ પુલ, વોલીબોલ કોર્ટ, જિમ, વિશાળ લેન્ડસ્કેપ ગાર્ડન, કાફે, કન્વીનિયન્સ સ્ટોર, ગેઝેબો અને સિનિયર સિટીઝન ડેસ્ક આપવાનો આદેશ કર્યો છે.
આ મામલામાં ‘રેરા’ એ કહ્યું: ગ્રાહકો મિલકતની યોજનાના બ્રોશરમાં આપવામાં આવેલા વચનોના આધારે સંબંધિત મિલ્કત ખરીદતા હોય છે. આ બધી વિગતો અંગે ગ્રાહકો વિચારણાઓ કરે છે અને તેને આધારે મિલકતના નાણાં ચૂકવતા હોય છે. બિલ્ડર્સ જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. જો બ્રોશર અથવા તેની જાહેરાતમાં પ્રમોટર દ્વારા કોઈ વચનો આપવામાં આવ્યા હોય, તો તેનું પાલન કરવું પ્રમોટર કે બિલ્ડર્સ માટે ફરજિયાત છે.
વડોદરાના ડભોઈ રોડ પરની એક સોસાયટીના રહીશે આ મામલે ‘રેરા’ માં અરજી કરેલી, જેમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદીએ એમ પણ રજૂઆત કરી કે, બ્રોશર મુજબની સુવિધાઓ ન મળવા મામલે આ ફરિયાદ દાખલ કરવા, તેણે સોસાયટીના અન્ય 55 સભ્યોની સંમતિ મેળવી હતી.
ફરિયાદીએ ત્યાં સુધી કહ્યું કે, બ્રોશર મુજબની ઉપરોકત સુવિધાઓ ઉપરાંત CCTV અને કમ્પાઉન્ડ વોલ જેવી આવશ્યક સુવિધાઓ પણ આજની તારીખે પૂરી પાડવામાં આવી નથી. બિલ્ડર દ્વારા એવી પણ દલીલ થયેલી કે, બ્રોશરમાં જણાવાયું છે કે, આર્કિટેક્ટના રિપોર્ટ અનુસાર બાંધકામમાં ફેરફાર થઈ શકે છે. જો કે આ દલીલ માન્ય રાખવામાં આવી નથી.
બંને પક્ષકારોને સાંભળી લીધાં બાદ ગુજરાત રેરા એ ચુકાદો આપ્યો કે, ગ્રાહકો બ્રોશરમાં આપવામાં આવેલા સુવિધાઓ અંગેના વચનોના આધારે મિલકતોની ખરીદીઓ કરતાં હોય છે. તે મુજબ વિચારણાઓ અને ગણતરીઓ કરીને આ ગ્રાહકો પૈસા પણ ચૂકવે છે. બ્રોશર કે જાહેરાતમાં અપાયેલા વચનનું પાલન કરવા માટે પ્રમોટર બંધાયેલા છે. તેઓ આ જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. અત્રે નોંધનીય છે કે, રેરા એ દેખાડેલી આ લાલબતી લાખો ગ્રાહકોના હિતોની રક્ષા કરી શકશે.(symbolic image:google)