Mysamachar.in-ગાંધીનગર:
દેશી અને વિદેશી દારૂના ભાવો અંગે દરેક પિયકકડ ને બધી જ ખબર હોય છે, પોલીસના નિયમો મુજબ 19-20 વર્ષથી દેશી દારૂનો જૂનો ભાવ જ દરોડા પછીની કામગીરીઓમાં ધ્યાન પર લેવામાં આવતો, હવેથી કબજે લેવાયેલા દેશી દારૂના ભાવની ગણતરીઓ નવા નિયમ મુજબ થશે. જો કે, ગૃહ મંત્રાલય હજુ પણ અંગ્રેજી શરાબના ભાવો અંગે કશું નવું બોલ્યું નથી, જૂની કિંમત પ્રમાણે જ ગણતરીઓ થશે.
અત્યાર સુધી એવું હતું કે, કોઈ પણ પોલીસ મથકની હદમાં, અન્ય કોઈ પોલીસ એજન્સી રૂ. 15,000 કે તેથી વધુની કિંમતનો દેશી દારૂ અથવા રૂ. 25,000 કે તેથી વધુની કિંમતનો અંગ્રેજી બનાવટનો શરાબ પકડી પાડે તો, પોલીસની ભાષામાં તેને કવોલિટી કેસ ગણી સંબંધિત પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાંકીય તપાસ હાથ ધરવામાં આવતી. પોલીસની તપાસ ખુદ પોલીસ કરે. ( આ પ્રકારના તપાસ રિપોર્ટની વિગતો કે રિપોર્ટના આધારે લેવાતાં પગલાંઓની જાહેરાત સમાચાર રૂપે પોલીસ દ્વારા કયારેય કરવામાં આવતી નથી).
15 વર્ષ બાદ સરકારે નવો ઠરાવ બહાર પાડ્યો. જેમાં જણાવાયું છે કે, હવે આ રીતે રૂ. 1 લાખની કિંમતનો દેશી દારૂ અથવા રૂ. 2.5 લાખની કિંમતનો અંગ્રેજી શરાબ ઝડપાશે ત્યારે તેને કવોલિટી કેસ ગણવામાં આવશે અને તે કેસોમાં ખાતાંકીય તપાસ થશે ( ગણતરીઓ કરો, કેટલાં પોલીસ અધિકારીઓ ખાતાંકીય તપાસથી બચી જશે).
આ ઉપરાંત અત્યાર સુધી, 19 વર્ષ સુધી, પરચૂરણ રકમના દેશી અથવા અંગ્રેજી દારૂ પકડાયાના કિસ્સાઓમાં પોલીસ વિભાગે હજારો પોલીસ અધિકારીઓને ‘શિરપાવ’ આપ્યો. કારણ કે, અત્યાર સુધી જૂનો, 2005નો પરિપત્ર અમલમાં હતો. નવા પરિપત્રમાં સરકારે દેશી દારૂની કિંમતમાં ફેરફાર કરી, કિંમત 10 ગણી કરી છે, દેશી દારૂના આથાની કિંમત 12.5 ગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત અત્યાર સુધી એવું હતું કે, રૂ. 25,000 કે તેથી વધુની કિંમતના નશીલા પદાર્થ એટલે કે ડ્રગ્સ ઝડપાઈ જાય તેવા કેસને કવોલિટી કેસ ગણવામાં આવતો. હવે, રૂ. 2.5 લાખ કે તેથી વધુની કિંમતના નશીલા પદાર્થ ઝડપાશે ત્યારે જ, તેને કવોલિટી કેસ ગણી, સંબંધિત પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાંકીય તપાસ થશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતની દારૂબંધીની પોકળતા અને ડ્રગ્સના વારંવાર ઝડપાતા જથ્થાની મોટાભાગની હકીકતો હવે મોટાભાગના લોકો ‘જાણી’ ચૂક્યા હોય, આ પ્રકારની બાબતો હવે અગાઉ જેવી અને જેટલી સનસનાટી પેદા કરી શકતી નથી.