Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ નામની સંસ્થા દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે જેમાં તેવોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જેનરીક દવાઓની મોટી મોટી જાહેરાતો તેમજ લાખો રૂપિયાના ખર્ચા કરે છે અને લોકોના આરોગ્યની ખૂબ જ કાળજી રાખે છે અને લોકોને સસ્તી દવા મળી રહે તેમ જ સામાન્ય ગરીબ દર્દીઓના દવાઓનો ખર્ચ ઓછો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ અને જાગૃત છે.પરંતુ સરકારની આ જાગૃતતા હોસ્પિટલને લાગુ પડતી ના હોય તેવું લાગે છે જામનગર અને દ્વારકા શહેર જીલ્લામાં આવેલી હોસ્પિટલોમાં જેનરીક દવાઓ તબીબો દ્વારા લખવામાં આવતી નથી તેવી અનેક દર્દીઓની ફરિયાદ આ સંસ્થા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોર મજીઠીયા સમક્ષ આવેલ છે,

સામાન્ય ગરીબ દર્દીઓની મોંઘા ભાવની દવાઓ લખાય છે, અગાઉ જેનરીક દવા લખાવી તેવો પરિપત્ર હોવા છતાં આ પરિપત્રને અવગણીને પણ જી જી. હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, પ્રાઈવેટ હોસ્પિટલો અને તેમના ડોકટરો મોટા ભાગે જેનરીક દવા લખતા નથી, આથી દર્દીને સાચો લાભ મળતો નથી. જેથી દરેક ડોકટરોએ દવાના કન્ટેન્ટ દવા સ્વચ્છ અને મોટા અક્ષરે જેનરીક દવા લખાય તેવી દરેક ડોક્ટરોને સૂચના આપી અને તેમનું મોનિટરિીંગ કરવું ખૂબ જ જરૂરી છે. મોંઘા ભાવની દવા લખવા પાછળનું કારણ કદાચ ડોકટરોની સાંઠ ગાંઠ પણ હોઈ શકે ?? પોતાના અંગત લાભ ખાતર ડોકટરો મોંઘા ભાવની દવા લખે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.
જે ડોક્ટરો દ્વારા બહારની મોંધા ભાવની દવા ઈન્જેક્શનનો અથવા ઓપરેશન સર્જરીનો કોઈપણ સામાન જેનરીક લખાયેલ ન હોય તેવા ડોકટરોની તાકિદની અસરથી તપાસ કરી સસ્પેન્ડ કરવા જોઈએ એવી મોટા ભાગના દર્દીઓની માંગણી છે. ગરીબ દર્દીઓની ફરિયાદ છે કે પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલના ડોકટરો ફાર્મા કંપની સાથે સંકળાયેલ હોવાથી સસ્તી દવા લખતા નથી. મોંઘા ભાવની દવા લખવાનો ફાર્મા કંપની ટાર્ગેટ આપેલ હોય તેવું પણ લાગે છે ?? તો આવા ફાર્મા કંપનીના ટાર્ગેટ પૂરા કરવા ગરીબ અને સામાન્ય દર્દીઓનો શું વાંક..? મોટાભાગની પ્રજા મેડિકલ સાયન્સમાં અભણ અને અજ્ઞાન હોય છે, એમની ગરીબી અને અજ્ઞાનતાનો લાભ કેટલાક ચતુર ડોકટરો ભરપૂર રીતે ઉઠાવે છે તે પણ એક તપાસનો વિષય હોવાનું રજુઆતને અંતે જણાવવામાં આવ્યું છે. (symbolic image)
