Mysamachar.in-ગાંધીનગર
એક સમય એવો હતો કે ગીરમાં જોવા મળતા સિંહો ભારત ઉપરાંત પર્શિયા, અરેબિયા જેવા વિદેશોમાં પણ જોવા મળતા હતા, પરંતુ સિંહોના શિકાર અને તેમના કુદરતી રહેઠાણોના વિનાશને કારણે આજે સિંહો માત્ર ગુજરાત અને ગીરમાં જ જોવા મળે છે.એક અહેવાલ મુજબ એશિયાટિક સિંહો છેલ્લે 1884માં ગુજરાતની બહાર જોવા મળ્યા હતા. ગુજરાતમાં ગીરનું જંગલ તેની આબોહવા અને શિકારની સવલતોને કારણે ગીરના સિંહો માટે અનુકૂળ બન્યું છે. સિંહને હંમેશા ઓછી ગીચતાવાળું જંગલ અને સમશીતોષ્ણીય કટિબંધીય આબોહવા માફક આવે છે. આ બધું ગીરના જંગલમાં ઉપલ્બ્ધ છે, તેથી સિંહોને ગીરનું જંગલ માફક આવી ગયું છે.
એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનું જ નહીં પણ એશિયાનું પણ ગૌરવ છે. ત્યારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર ખાસ તકેદારી રાખે છે. અને જરૂરી તમામ પ્રયાસો કરે છે, એશિયામાં ગુજરાતનું ગીર નેશનલ પાર્ક વિશ્વનું એકમાત્ર સ્થળ છે, જ્યાં સિંહોને જંગલમાં વિહરતા જોઈ શકાય છે, ગીર નેશનલ પાર્ક જૂનાગઢ જિલ્લાના દક્ષિણ પૂર્વમાં આશરે 65 કિલોમીટર દૂર આવેલું છે.
ગતરોજ ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને એક ખાસ સમિક્ષા બેઠક યોજાઈ જેવોએ ગીરના સિંહો વિષે બુકો લખી છે તે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠક અંગે આજે સવારે કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ Mysamachar.in સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે…..
ગીરમાં વસવાટ કરતા સિંહો આપણા દેશનું ગૌરવ છે અને તેના સંરક્ષણ-સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેના ભાગરૂપે જ હાથ ધરવામાં આવેલ અનેકવિધ પ્રયાસોની સાર્થક સમીક્ષા અમે સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ પરીમલભાઈ નથવાણીની વિશેષ ઉપસ્થિતિમાં વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જેમાં કેટલાય મુદ્દાઓની ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરવામાં આવી છે.
વધુમાં મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ગીરના જંગલોમાં અગાઉ પરિમલભાઈના પ્રયાસોથી કેટલાય કુવાઓને ઢાંકી દેવામાં આવ્યા છે જેથી સિંહોને અકસ્માતનો ભયના રહે હજુ પણ આવા 500 જેટલા કુવાઓ છે તે રિલાયન્સ કંપનીના સી.એસ.આર ફંડમાંથી ઢાંકવાની તૈયારી પણ તેવાઓએ દર્શાવવા ઉપરાંત અમરેલી સહિતના વિસ્તારોમાં સિંહોના ટ્રેન સાથેના અકસ્માતો રોકવા પ્રયાસો થયા છે પણ વધુ સઘન પ્રયાસોને ભાગરૂપે રેલ્વે ટ્રેકની આસપાસ કા તો પ્રોટેક્શન વોલ અથવા તો ફેન્સીંગ કરવા અંગેની પણ વિચારણા ચાલી રહી છે.જેની નજીકના દિવસોમાં જ અમલવારી કરી દેવામાં આવશે
જયારે બરડા ડુંગર વિસ્તારમાં પણ સિંહોની હાજરી જોવા મળી રહી છે તે પણ સારી બાબત છે ત્યારે બરડા ડુંગર વિસ્તારમાં સિંહોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા ખાસ પ્રકારના ઘાસ ઉગાડવાની તૈયારીઓ પણ વન વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. આમ આ સમિક્ષા બેઠકમાં ગીર જંગલની આસપાસ સિંહો સાથે સર્જાતી રેલ અકસ્માતની દુર્ઘટનાને ડામવા માટે વિશેષ ચિંતન કરવામાં આવ્યું હોવાનું પણ મંત્રી મુળુભાઈ બેરાએ વાતચીતના અંતે જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તથા જગદીશ વિશ્વકર્મા અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.અને થયેલ સમીક્ષાના તમામ મુદ્દાઓને સિંહોના હિતમાં તત્કાલ જરૂરી અમલ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.