Mysamachar.in-અમદાવાદ:
આજથી 4 વર્ષ અગાઉ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોલીસ કોન્સ્ટેબલના પગારવધારાની માંગ અંગેના સંદેશા વહેતાં થયેલાં ત્યારે સરકારે 3 વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી, જેમાં કાવતરાંની કલમ પણ લગાડવામાં આવી હતી. વડી અદાલતે આ FIR જ રદ્દ કરતો આદેશ આપ્યો.
પોલીસ કોન્સ્ટેબલ માટે ઉચ્ચ પગાર અને વધારાના અન્ય લાભોની હિમાયત કરતાં સંદેશા 2020 માં વાયરલ થયેલાં અને સમગ્ર રાજ્યમાં પોલીસ બેડાંમાં જેતે સમયે હલચલ મચી હતી. સરકાર આ હલચલ આગળ વધે તેવું ચાહતી ન હતી. આથી જેતે સમયે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરના આ પ્રચારના અનુસંધાને 3 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેતે સમયે આ ઉહાપોહ એક ટેલિગ્રામ ગ્રૂપ દ્વારા ફેલાયો હતો.
તે સમયે 3 પોલીસકર્મી વિરુદ્ધ જાહેરમાં ગભરાટ ફેલાવવાનું કાવતરૂં રચવાના આરોપસર FIR દાખલ થઈ હતી. આ FIR રદ્દ કરવાનો આદેશ વડી અદાલત દ્વારા થયો છે. વડી અદાલતે કહ્યું: માત્ર એક મેસેજ ફેલાવવાથી એવું ન કહી શકાય કે, આ મેસેજને કારણે જાહેર શાંતિ જોખમમાં મૂકાઈ છે અને લોકોના મનમાં ભય પેદાં થયો છે.
જસ્ટિસ હસમુખ ડી. સુથારની સિંગલ જજ બેન્ચે અવલોકન કર્યું કે, ” અરજદારો દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી કે કૃત્ય કરવામાં આવ્યું હતું કે જેથી 2 વર્ગ વચ્ચે ડર ફેલાય કે ગભરાટ પેદાં થાય, એવો પણ ફરિયાદ પક્ષનો મામલો નથી. માત્ર એટલાં માટે કે, પોલીસ અધિકારીઓ પણ આ ગ્રૂપમાં સામેલ છે તેને એવો આધાર બનાવી શકાય નહીં કે, આનાથી બે જૂથના વર્ગ બનવાની શકયતાઓ છે. એ નોંધવું પણ યોગ્ય છે કે, પ્રાથમિક શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ જેમણે ગ્રેડ પે ની માંગણી કરી હતી, તેનાથી વિપરીત પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ કયારેય સરકારી નોકરનો દરજ્જો ગુમાવશે નહી. અને, તેઓ તેમના કાયદેસરના અધિકારો અને ગ્રેડ પે મેળવવાનો ઈરાદો ધરાવતાં હતાં.
હાઈકોર્ટે આ કેસમાં જણાવ્યું કે, અરજદારોના આ કૃત્યને (ફરિયાદ મુજબ) જેમ ને તેમ માની લેવામાં આવે તો પણ, તે ‘ વાજબી અથવા વાસ્તવિક માંગ છે અથવા સરકારની ટીકા સમાન ‘ છે. આ સિવાય કોઈ અનુમાન લગાવી શકાય નહીં. આથી આ આરોપીઓ વિરુદ્ધ FIR માં મૂકવામાં આવેલાં આરોપો અહીં ટકતાં નથી. પ્રસ્તુત કેસમાં કલમ 120(બી) (ગુનાહિત કાવતરૂં) અને 505(1)(બી) હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે સમાન આરોપો ધરાવતી 2020 માં નોંધાયેલી વિવિધ FIR ને રદ્દ કરવાની માંગ કરતી 3 વ્યક્તિઓ દ્વારા કરાયેલી અરજીઓમાં ઉપરોકત આદેશ કરવામાં આવ્યો હતો.