Mysamachar.in: અમદાવાદ
ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી OBC સંબંધિત મામલાઓ લંબાતા રહે છે. બહુ વિલંબ બાદ આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત મુદ્દો ઉકેલાયો. પરંતુ હજુ પણ રાજ્યમાં કાયમી OBC પંચનો મામલો વિલંબિત છે અને આ મુદ્દે સરકારને વધુ એક વખત હાઈકોર્ટનો ઠપકો સાંભળવો પડ્યો. અદાલતે સરકારના પ્રતિનિધિને રીતસર પ્રશ્નોનો મારો કર્યો અને અદાલત સમક્ષ વારતાઓ ન કરવા પણ કહેવું પડ્યું.
રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની રચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં અદાલતે, સરકાર તરફથી સંતોષકારક જવાબ ન મળતાં ઝાટકણી કાઢી હતી. અદાલતે જણાવ્યું કે, તમારૂં કમિશન માત્ર એક સભ્યથી ચાલે છે. અને તે કાગળ પર છે, તમે સાત મહિના કર્યું શું ? તે જણાવો. સરકાર પાસે યોગ્ય જવાબ ન હોય તો, કોર્ટ સમક્ષ નકામી દલીલો ન કરો.
વડી અદાલતે હવે આ મામલામાં રાજ્યના ચીફ સેક્રેટરીને જવાબ આપવા કહ્યું છે. અને આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરે યોજાશે. જાહેર હિતની અરજીમાં જણાવાયું છે કે, કાયમી ઓબીસી પંચની રચના કરવામાં આવી નથી તે સુપ્રિમ કોર્ટના નિર્દેશના ભંગ સમાન છે. રાજ્યમાં માત્ર એક જ સભ્યનું ઓબીસી કમિશન ચાલી રહ્યું છે. દર દસ વર્ષે ઓબીસી જ્ઞાતિઓને લઈને સમીક્ષા સહિતની કામગીરીઓ કરવાની હોય છે, તે પણ નિયમિતપણે થઈ નથી. કમિશનમાં અન્ય બે સભ્યોની નિમણુંક હજુ થઈ નથી.
આ સુનાવણીમાં સરકારનો જવાબ સાંભળી ગંભીર નારાજગીઓ વ્યક્ત કરતાં અદાલતે કહ્યું: વારતાની જગ્યાએ તમે શું કામ થયું છે ? તેની વિગતો જણાવો. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ એક જ સભ્યનું કમિશન હોય શકે નહીં. સરકાર પાસે જો યોગ્ય જવાબ ન હોય તો, સમય માંગે પણ નકામી દલીલો ન કરે. વડી અદાલતે એમ પણ કહ્યું કે, કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરશો.