Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત કોઈ પણ શહેરમાં ટાઉન પ્લાનિંગ એક બહુ મોટો વિષય લેખવામાં આવે છે, કેમ કે આ પ્લાનિંગ કોઈ પણ શહેરના સમતોલ અને ઝડપી વિકાસ માટે અનિવાર્ય બાબત હોય છે, બીજી તરફ ટાઉન પ્લાનિંગનો અમલ શરૂ થાય તે પહેલાંના વિવિધ તબક્કાઓ દરમિયાન ઘણું ઘણું રંધાઈ જતું હોય છે, એ પ્રકારની ચર્ચાઓ અને અહેવાલો બધાં જ શહેરોમાં સમયાંતરે ઉઠતાં રહેતાં હોય છે. હવે, ગાંધીનગરથી એવો અહેવાલ આવ્યો છે કે- ટીપી સ્કીમ વિષયને ઝડપી અને પારદર્શક બનાવવા કેટલાંક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, હાલમાં ટાઉન પ્લાનિંગ અધિકારી કક્ષાએ ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરતાં પૂર્વે શાખાની કામગીરીઓ આશરે એક વર્ષનો સમય લે છે, આ સમયમાં 5 મહિનાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ શાખા હવે 7 મહિનામાં પોતાની પ્રાથમિક કામગીરીઓ નિપટાવી લેશે, એવું અત્યારે રાજ્ય સરકાર કહી રહી છે.
આ ઉપરાંત એવું જાણવા મળે છે કે, સરકાર ઓરિજિનલ પ્લોટ એપ્રુવલ કમિટીની રચના કરશે. મહાનગરપાલિકાઓના ટાઉન પ્લાનિંગ વિભાગની પ્રાથમિક સ્કીમને સરકારની મંજૂરી મળે ત્યાં સુધીમાં સરકાર રચિત આ કમિટી ઓરિજિનલ પ્લોટની હદ તથા વિસ્તાર સંબંધિત કામગીરીઓની ખરાઈ કરી લેશે. અને, જરૂરી મંજૂરી આપશે.
આ સાથે સૂત્ર એમ કહે છે: કોઈ પણ ટીપી સ્કીમનો ઈરાદો જાહેર થશે તે સાથે જ તે સ્કીમ માટે ચોક્કસ ટાઉન પ્લાનિંગ અધિકારીની નિમણૂંક કરવામાં આવશે અને પ્રાથમિક ટીપી સ્કીમ સરકાર સમક્ષ મૂકવામાં આવે તે અગાઉ 7 મહિના દરમિયાન આ અધિકારી, આ સ્કીમ સંબંધે પોતાના તરફથી બધાં જ ઈનપુટ સરકારને સોંપી દેશે. હાલમાં આ પ્રક્રિયાઓમાં 12 મહિનાનો સમય વીતી જાય છે.
આ ઉપરાંત સરકાર ઈચ્છે છે, સમગ્ર પ્રોસેસના દરેક તબક્કે પારદર્શિતા જળવાઈ રહે. આ માટે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે, દરેક શહેરની ટાઉન પ્લાનિંગ ઓથોરિટીએ ટીપી સ્કીમના દરેક તબક્કાની તમામ માહિતીઓ અને વિગતો પોતાની વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. મંજૂર થયેલ ડ્રાફ્ટમાં જો કોઈ સુધારાઓ બાકી ન હોય તો, તે ડ્રાફ્ટની વિગતો સાથે જ અંતિમ ખંડો અંગે ટાઉન પ્લાનિંગ અધિકારીએ પોતાનો અભિપ્રાય પણ અહીં મૂકવાનો રહેશે.
ટીપી સ્કીમની દરેક કામગીરીઓ માટે નિયત સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. ટીપી સ્કીમના ડ્રાફ્ટને સરકારની મંજૂરી મળી જાય કે તરત વિભાગે તે સ્કીમના વિસ્તારમાં રસ્તાઓ માટેના ડીમાર્કેશન માટેની કામગીરીઓ કરવાની રહેશે. જો કોઈ ટીપી સ્કીમના વિસ્તારમાં રાજ્ય સરકાર હસ્તકની જમીનો આવેલી હોય, તો તેવા કેસમાં ટાઉન પ્લાનિંગ અધિકારીએ જિલ્લાકક્ષાએ નોડલ અધિકારી સાથે સંકલન કરવાનું રહેશે.
ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગ સંબંધે આ જે સુધારાઓ કર્યા છે તેનો ડ્રાફ્ટ વેબસાઈટ પર મૂક્યો છે. ભારત સરકારે આ ડ્રાફ્ટને મંજૂરી આપી છે. દેશના અન્ય રાજ્યો પણ આ ડ્રાફ્ટને મોડેલ ડ્રાફ્ટ તરીકે અપનાવી શકે છે. અને, ગુજરાત અથવા દેશનો કોઈ પણ નાગરિક આ સુધારા ડ્રાફ્ટ સંબંધે 15 સપ્ટેમ્બર સુધીમાં પોતાના વાંધાસૂચનો ઓનલાઈન અપલોડ કરી શકે છે. આ તમામ સુધારાઓ સંબંધે રાજ્યના ચીફ ટાઉન પ્લાનર ડી.જે. જાડેજાએ ગત્ 4 તારીખે તમામ પક્ષકારો અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.