Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ સ્થિતિ પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને પગલે તેની અસર જિલ્લામાં કૃષિ પાકની નુકશાની સ્વરૂપે જોવા મળી હતી. ખેડૂતોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જેને પગલે રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ તાકીદે કૃષિ નુકશાનીનો સર્વે હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી.
રાજ્યના સરકારની સૂચના પગલે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની સૂચના અનુસાર જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા બાગાયત અધિકારીઓને ત્વરીત નુકશાની સર્વે હાથ ધરવા માટે સૂચના અપાઇ હતી. જેને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારી આર.બી.ચાવડા પાસેથી મળેલી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકશાન થયું છે. ધરતીપુત્રોને આ વ્યાપક નુકશાની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકશાની સર્વેની કામગીરી કરી રહી છે. જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાણવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 243 જેટલા ગામો પાક નુકશાનીનો પ્રાથમિક અંદાજો છે. ઉપરાંત આ કામગીરી વધુ વેગવાન બનાવવા માટે અન્ય જિલ્લામાંથી 17 જેટલી ટીમો કામે લાગે છે તેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.