Mysamachar.in-ગાંધીનગર:
આગામી 17મી એ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. તેઓ સંભવત: 16મી એ સાંજે ગુજરાત આવી પહોંચશે, એવી શકયતાઓ સૂત્ર વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ, વડાપ્રધાનના જન્મદિવસે ગુજરાતમાં લાખો સરકારી કર્મચારીઓ પેન ડાઉન રાખશે, એમ પણ જાણવા મળી રહ્યું છે. લાખો કર્મચારીઓ દ્વારા સરકાર પર આ એક પ્રકારનું ‘હલ્લાબોલ’ લેખી શકાય.
ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ પોતાના લાંબા સમયથી પડતર 10 પ્રશ્નોના નિરાકરણ માટે આગામી 17 સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાલ રાખશે. આ દિવસે સરકારી કામગીરીઓ શટ ડાઉન રહે તેવી પણ સંભાવનાઓ છે. આ લાખ્ખો કર્મચારીઓ 6 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ઝોન વાઇઝ ધરણાંના કાર્યક્રમો પણ આપશે, એમ માનવામાં આવે છે.
લાખો સરકારી કર્મચારીઓએ પોતાના જૂની પેન્શન યોજના અને વિવિધ પડતર માંગો સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં જૂની પેન્શન યોજનાના મુદ્દાનો પણ સમાવેશ કર્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને પ્રાથમિક શિક્ષક સંઘ આ વિરોધ કાર્યક્રમો નક્કી થયા છે. ઓક્ટોબરમાં આ કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ વિરોધ પ્રદર્શન યોજશે. આ માટે 4 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.(symbolic image)