Mysamachar.in-જામનગર:
ગત સપ્તાહે જામનગર શહેરને સતત ત્રણ દિવસ સુધી મેઘરાજાએ ઘમરોળી નાખતા શહેરમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ અને ડેમના જે પાણી છોડવામાં આવ્યા તે ફરી વળતા કેટલાય વિસ્તારોની ભારે દુર્દશા થઇ હતી, જે બાદ વરસાદે વિરામ લેતા છેલ્લા બે ત્રણ દિવસથી જામનગર મહાનગરપાલિકાના તમામ વિભાગો દોડતા થયા છે, અને શહેરમાં જ્યાં જે જરૂરી લાગે તે તમામ કામગીરીઓ યુદ્ધના ધોરણે આરંભી અને શહેરીજનો સમસ્યામુક્ત બને તે માટેના પ્રયાસો મ્યુ.કમિશ્નર ડી.એન.,મોદીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર ડી.એન.ઝાલા અને સીટી ઈજનેર ભાવેશ જાનીની દેખરેખ હેઠળ સુપેરે સઘન કામગીરી શરુ કરી દેવામાં આવી છે, હજુ કદાચ એકાદ દીવસ બાકીની કામગીરીમાં લાગશે પણ શહેરને સ્વચ્છતાથી માંડીને રોડ રસ્તા રીપેરીંગ સુધીના તમામ કામો તાકીદે પૂર્ણ કરવા મનપાના તમામ વિભાગના વડાઓને તાકીદ કરી દેવામાં આવી છે.એવામાં મનપાએ વિભાગ વાઈઝ શું કામો થયા તે અંગેની જે યાદી જાહેર કરી છે તે મુજબ…
-ભૂગર્ભગટર શાખા
જામનગર શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે શહેરના સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેઝ પમ્પીંગ સ્ટેશનો અને કાર્યરત ભુગર્ભ ગટર નેટવર્કને થયેલ નુકશાની થયેલ જેને પૂર્વવત સ્થિતિમાં કરવા અંગે ભુગર્ભ ગટર શાખા દ્વારા જરૂરી ભુગર્ભ ગટર સફાઈની અને જરૂરિયાત મુજબ રીપેરીંગની કામગીરી ચાલુ છે તથા ગાંધીનગર સીવેઝ પમ્પીંગ સ્ટેશન ચાલુ કરવામાં આવેલ છે, જયારે બાકી રહેતા ત્રણ સીવેઝ પમ્પીંગ સ્ટેશનોમાં જરૂરી સફાઈ કામગીરી તથા ઇલેક્ટ્રિક પેનલોનું રેક્ટીફીકેશન-રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, અલગ અલગ સ્થળોએ વરસાદી પાણીના ભરાવાને દૂર કરવા ડીવોટરીંગ કરવામાં આવે છે.
-સોલીડ વેસ્ટ શાખા
આ શાખા દ્વારા હાલ શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને અસરગ્રસ્ત વોર્ડ વિસ્તારોમાં 19-JCB, 32-ટ્રેક્ટર તથા વોર્ડના કામદારો ઉપરાંત 108 વધારાના મેનપાવર તથા 90-મીનીટીપર, 43- બીગટીપર (407) તથા 6 કોમ્પેકટર મારફત કુલ 374 મે.ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. છેલ્લા બે દિવસમાં 854 મે. ટનકચરાનો નિકાલ કરવામાં આવેલ. રાત્રી દરમિયાન પણ બીન્સ, ઓપન પોઇન્ટ ઉપડવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
-ટીપીઓ શાખા
આ શાખા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ ભયજનક/ જર્જરીત ઈમારતો/ બાંધકામોના કારણે કોઈ જાનહાનિના બનાવ ન બને તે માટે જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં આવેલ ફરીયાદો અનુસાર તથા ટાઉન પ્લાનિંગ શાખાના ઈજનેરો દ્વારા વોર્ડ રાઉન્ડ દરમ્યાન જોવા મળેલ જર્જરિત બાંધકામ/ બાંધકામનાં ભાગો દુર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે ટાઉન પ્લાનીંગ શાખા તથા એસ્ટેટ શાખા ઘ્વારા સંયુકત રીતે કામગીરી કરવા ઉપરાંત હાલે સેલરમાંથી પાણીનો જે નિકાલ અવ્યવસ્થિત રીતે કરતા હોય તેવી રહેણાક-કોમર્શીયલ ઇમારતોના વપરાશકર્તાઓને આ નિકાલ સુવ્યવસ્થિત રીતે કરવાની સુચના આપવામાં આવેલ છે.
-લાઈટ શાખા
આ શાખા દ્વારા શહેરમાં આવેલ સ્ટ્રીટલાઇટ નેટવર્કને ખૂબ જ નુક્સાન થવા પામેલ છે. જેને કારણે જુદા જુદા ફોલ્ટ તેમજ ફરિયાદો આવેલ. જેને મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ. વિભાગ સાથે સંકલન કરી અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવેલ હાલે, પણ શહેર તેમજ નગરસિમ વિસ્તારો ખાતે પી.જી.વી.સી.એલ. વિભાગ સાથે સંકલનમાં રહી સ્ટ્રીટ લાઇટ નેટવર્કને પૂર્વવત કરવા કામગીરી ચાલુ છે.
-વોટરવર્કસ શાખા દ્વારા
ભારે વરસાદ તેમજ નદીમાં આવેલ પુરના કારણે પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચેલ હતી. પુરના પાણી ઓછા થઈ ગયા બાદ વોટર વર્કસ શાખા દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોના નાગરીકોને શુધ્ધ પીવાનુ પાણી મળી રહે તે માટે તાત્કાલીક અસરથી વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવામા આવેલ છે. પુરના કારણે અસરગ્રસ્ત વોર્ડ નં.02, 12 વિગેરેના વિસ્તારોમાં પીવાના પાણીના વોટર ટેન્કરની કુલ 10 ટ્રીપો કરાવીને પાણી વિતરણ કરવામાં આવેલ છે.
શહેરમાં આવેલ ભારે વરસાદ તેમજ પવનના કારણે વોટર વર્કસ શાખાની સસોઈ ડેમ થી આવતી મુખ્ય પાઈપ લાઈન દરેડ ખોડીયાર માતાના મંદિર પાસે લીકેજ થયેલ હતી જેને તાત્કાલીક યુધ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરીને લીકેજ રીપેરીંગ કરાવવામાં આવેલ છે. રીપેરીંગ કામ પૂર્ણ થઈ ગયા બાદ ટેસ્ટીંગ કરીને પાણીની આવક પૂર્વવત કરવામાં આવેલ છે. તેમજ ભારે વરસાદ અને પુરના કારણે શહેરમાં પાણી વિતરણ કરવના વાલ્વમાં ગારો કીચડ ભરાઈ જવાથી વાલ્વ ખોલીને પાણી વિતરણ કરી શકાતુ ન હતું. આવા કુલ 80 વાલ્વની સફાઈ કરાવીને પાણી વિતરણ ચાલુ કરાવવામાં આવેલ છે.
– આરોગ્ય શાખા
શહેરના નાગરીકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે ઓ.પી.ડી. સેવાઓને સુદ્રઢ કરવામાં આવી છે.શહેરના બાર આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શહેરના પુરગ્રસ્ત વિસ્તારમાં આર.બી.એસ.કે. ટીમના ડોક્ટર્સ દ્વારા બાર યુ.એચ.સી. લગત અલગ- અલગ બાર સ્થળોએ સ્પેશિયલ ઓ.પી.ડી. શરુ કરવામાં આવેલ છ
-પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા
હાલની વર્ષાઋતુમાં વરસાદ રહી ગયા બાદ વેટ મીકસ પધ્ધતીથી રોડ પોટ હોલની કામગીરી કરાવવામા આવી રહી છે. જુલાઈ તથા ઓગષ્ટ 2024 દરમ્યાન જામનગર શહેરના વોર્ડ નં. 1 થી 16 ના આંતરીક રસ્તાઓ તથા મુખ્ય રસ્તાઓમાં કુલ 22618 સ્કે. મી. મેટલ પેચ (વેટ મીક્સ) વર્ક, કુલ 1498 પોટ હોલ રોડની ખરાબ સરફેઝ સાથે કામગીરી કરાવવામા આવેલ છે. હાલે કામગીરી સતત ચાલુ છે.જુલાઈ તથા ઓગષ્ટ 2024 દરમ્યાન વરસાદ ન હોય તથા યોગ્ય વાતાવરણમા હોટમીક્સ પ્લાન્ટથી પેચવર્ક માટેનું કુલ 427 મે. ટન મીકસ મટીરીયલથી કુલ ૫પપદ ચો.મી. વિસ્તારમાં કામ કરાવવામાં આવેલ છે.
-સિવિલ શાખા
વોર્ડ નં. 8, નેવીલ પાર્કની આજુ-બાજુના વિસ્તારમાં ગ્રીટ પાથરવાનું કામ, વોર્ડ નં. 7, સમર્પણ સર્કલ વાશા વીરા સોસાયટી પાસે મેટલીંગનું કામ, વોર્ડ નં.9, લીલાશા ધર્મશાળા રોડ પર મેટલીંગનું કામ, વોર્ડ નં. 2, ભુતીયા બંગલા પાસે ગાંધીનગર મેઈન રોડ પર મેટલીંગનું કામ કરવામાં આવેલનું જામનગર મનપાએ જાહેર કર્યું છે.
મહત્વનું છે કે રંગમતી ડેમ અને રણજીતસાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉપરાંત ભારે વરસાદને કારણે સતત 72 કલાક જેટલો સમય શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલ રહ્યા હતા ત્યાં જામનગર મનપા તંત્ર દ્વારા લોકોના રેસ્ક્યુ, સ્થળાંતર અને જરૂરિયાત વાળા વિસ્તારોમાં 1 લાખથી ફૂડ પેકેટ સહિતની તમામ કામગીરીઓ સતત કરવામાં આવી હતી.
