Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 46 અને સ્ટેટ હસ્તકના 3 રસ્તાઓ સ્ટ્રક્ચર ડેમેજ અને ઓવર ટોપિંગના લીધે બંધ થયા હતા. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે રોડ રસ્તા રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. પરિણામે સ્ટેટ હસ્તકના તમામ રોડ હાલ ચાલુ છે. અને પંચાયત હસ્તકના 33 રસ્તાઓ શરૂ થઈ ચૂક્યા છે. જે 13 રસ્તાઓ બંધ છે તેમાંથી મોટા ભાગના રસ્તાઓ ઓવર ટોપિંગના પરિણામે બંધ છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થઈ જશે.
ગતરોજ રવિવારે રજાના દિવસે પણ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હરિપર પિપરટોડા કોઝવે ડેમેજ થતાં તાબડતોબ રિપેરીંગ કરી રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધ્રાંગડા બ્રિજ એપ્રોચ, નાની નાગજર અને નાગના રોડ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
