Mysamachar.in-જામનગર:
તાજેતરના સતત અને ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ કહી શકાય એવું નુકસાન, જામનગર સહિતના હાલારના વીજતંત્રને તોતિંગ એટલે કે, રૂ.5.46 કરોડનું નુકસાન થયું હોવાનું મોનિટરીંગ અધિકારીએ જણાવ્યું છે. જો કે સાથે જ એમણે દાવો પણ કર્યો છે કે, વીજપૂરવઠો પૂર્વવત કરવાની મોટાભાગની કામગીરીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.
જામનગર અને દ્વારકા જિલ્લાના વીજતંત્રનો સમાવેશ જામનગર સર્કલ કચેરી અંતર્ગત થાય છે. આ કાર્યક્ષેત્ર અતિ મોટું હોવાથી નુકસાન અને ફરિયાદોનું પ્રમાણ પણ મોટું રહ્યું હતું. હાલમાં સુરતની 10 અને નિગમ કચેરીની 10 ટીમ દ્વારા હાલારમાં વીજસંબંધી તમામ કામગીરીઓ મોનિટરીંગ અધિકારી યુ.જી.વસાવાના માર્ગદર્શન મુજબ ચાલી રહી છે.
યુ.જી.વસાવા જણાવે છે કે, 3200 વીજપોલ ધરાવતાં આ સર્કલમાં તાજેતરના વરસાદને કારણે જે વીજસંબંધી તકલીફો ઉભી થઈ હતી, તે મોટાભાગની નિવારી લેવામાં આવી છે. દ્વારકા જિલ્લાના 10 ગામોને બાદ કરતાં સમગ્ર હાલારમાં વીજપૂરવઠો પૂર્વવત કરવાની કામગીરીઓ કરી લેવામાં આવી છે. આ 10 ગામોમાં પણ સાંજ સુધીમાં કામગીરીઓ કરી લેવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 108 ફીડરોમાં ઉભી થયેલી સમસ્યાઓ નિવારી લેવામાં આવી છે. કલેક્ટર તથા સાંસદ સહિતના મહાનુભાવોનો સહયોગ મળી રહ્યો છે. જામનગર શહેરમાં 5,000 જેટલી ફરિયાદ હતી તેનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરના નીચાણવાળા તથા નદીકાંઠાના વિસ્તારોમાં 3-4 ટ્રાન્સફોર્મરનું સમારકામ ચાલી રહ્યું છે, જે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. હાલારમાં કુલ 101 જેટલાં ટ્રાન્સફોર્મર રીપેર કરવામાં આવ્યા, જેમાં ખેતી સંબંધિત ટીસીનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આવતીકાલે રવિવારથી ખેતીવાડી વિભાગની ફરિયાદો ઉકેલવામાં આવશે, સર્વે બાદ કામગીરીઓ હાથ ધરવામાં આવશે. હાલમાં સમગ્ર હાલારમાં કોન્ટ્રાક્ટરની 70 તથા વીજતંત્રની 97 ટીમો કાર્યરત છે. શહેરમાં જે કોમ્પ્લેક્ષમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા છે તેને બાદ કરતાં સમગ્ર શહેરમાં વીજપૂરવઠો પૂર્વવત કરી લેવામાં આવ્યો છે.