Mysamachar.in-
જામનગર જિલ્લાના જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી ખેતીમાં નુકસાન અંગે તેમજ રસ્તાઓ અને પુલોને થયેલાં નુકસાન બાબતે જરૂરી કાર્યવાહીઓ સંબંધે રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જામજોધપુર તથા લાલપુર પંથકમાં ભારે વરસાદને કારણે ખેતીને, ખાસ કરીને નાના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે જરૂરી કાર્યવાહીઓ શરૂ કરાવવા વિનંતી કરી છે.
આ ઉપરાંત તેમણે પત્રમાં લખ્યું છે કે, વાડીખેતરોમાં જવાના સીમના રસ્તાઓ તથા વાહનવ્યવહાર માટેના રસ્તાઓમાં વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત નુકસાન પામેલાં ચેકડેમ અને મેજર બ્રિજ સહિતના પુલોને નુકસાનનો સર્વે હાથ ધરવા પણ રજૂઆત કરી છે. આ તમામ કામો સમયસર શરૂ થઈ જાય અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય તે માટેના આદેશો સંબંધિતોને તાકીદે આપવામાં આવે, એમ આ રજૂઆતમાં જણાવાયું છે.
