Mysamachar.in-
કોઈ પણ શહેર કે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં ઓલઓવર જમીનોને ચોક્કસ ઢાળ હોય છે, ચોમાસામાં આ ઢાળ મુજબ વરસાદી પાણીના વહેણ નક્કી થતાં હોય છે, એ રીતે જ નદીઓના માર્ગ સર્જાયેલા હોય છે અને આ નદીઓ સમુદ્ર તરફ જતી હોય છે, આ તમામ વિસ્તારોમાં ચોમાસામાં વરસાદને કારણે, જળાશયોના ઓવરફલોને કારણે તથા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીને કારણે- જલભરાવની કપરી પરિસ્થિતિઓ આકાર લેતી હોય છે, આ એક કુદરતી પરિસ્થિતિઓ છે.
આ પરિસ્થિતિઓનો ઉકેલ છે. આ પ્રકારના કુદરતી ઢાળ આસપાસ જે બાંધકામો થાય તે બાંધકામો રોડ રસ્તાઓના લેવલે ન હોવા જોઈએ, રસ્તાઓના લેવલથી ચાર પાંચ ફૂટ ઉંચાઈ સુધી બાંધકામના તળિયે પ્લીન્થ આપવી જ પડે, તો જ જલભરાવથી બચી શકાય. આ સાથે જ પાણીના કુદરતી વહેણને અવરોધતા તમામ બાંધકામ (કાયદેસર હોય કે ગેરકાયદેસર) હટાવવા જ પડે, તો જ જલભરાવથી બચી શકાય. આ સાદું ગણિત છે.
મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ, મકાનો સહિતના બાંધકામ ખરીદનારાઓ અને બિલ્ડર્સ તથા ડેવલપરોએ આ બધી જ બાબતો અંગે ગંભીર બનવું પડે. જો આમાંથી એક પણ વર્ગ આ સાદાં ગણિત અને વિજ્ઞાનને નજરઅંદાજ કરે તો, તેમણે જલભરાવની સમસ્યાઓનો સામનો કરવો જ પડે. કોઈ જ વિકલ્પ નથી. પ્રાર્થના કે ઈબાદતો પણ આ સ્થિતિઓથી બચાવી શકે નહીં. દર વર્ષે જલભરાવની વાતો વાગોળવી, સહાયોની માંગ કરવી, ફૂડ પેકેટ વેચવા કે રેસ્કયુ માટે બોટ પાણીમાં લઈ જવી- એ કાયમી ઉકેલ નથી, ઉપાય નથી. આપણે જ્યાં સુધી વૈજ્ઞાનિક ઢબે નગરરચના નહીં કરીએ, ત્યાં સુધી આપણે દર વર્ષે, સારાં ચોમાસા દરમ્યાન હેરાન પરેશાન થતાં રહીશું- આ હકીકત આપણે આજે જ સ્વીકારવી પડે અથવા આખરે સ્વીકારવી પડશે. ઉદાહરણ તરીકે, લાલપુર બાયપાસથી માંડીને વાયા મોહનનગર, નારાયણનગરથી છેક નવાગામ ઘેડ સુધીના નદી કિનારાના તમામ વિસ્તારોની દર વર્ષની તબાહી, સાક્ષી છે. આપણું ભવિષ્ય આપણાં જ હાથમાં છે, આકાશમાંથી આફતો ઉતરે, ઉપાયો નહીં. ઉકેલ તો આપણે જ શોધવા પડે.