Mysamachar.in:અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓ, બિસ્માર રોડ રસ્તાઓ અને પાર્કિંગ સહિતના મુદ્દે વડી અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તથા શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનકુમારે તથા અન્ય IPSએ આ સુનાવણીમાં અદાલતમાં હાજર રહેવું પડ્યું હતું. આ સુનાવણીમાં વડી અદાલતે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા એ કરી કે, આ બાબતે અદાલતની અવમાનનાની કાર્યવાહીઓ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત શહેર અને જિલ્લાકક્ષાના અધિકારીઓ વિરુદ્ધ પણ થઈ શકે છે.
આ સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર રહેલાં એડવોકેટ જનરલે અદાલતમાં એમ કહ્યું કે, હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. એવામાં બિસ્માર રોડ રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યાઓ છે પરંતુ સરકાર આ દિશામાં કામ કરી રહી છે, આ એક સતત ચાલતી પ્રક્રિયાઓ હોય, સ્થિતિમાં સુધારાઓ આવતાં સમય લાગી શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું: સરકારે પોલિસી બનાવી છે, રસ્તાઓ મુદ્દે કોન્ટ્રાક્ટરની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ટ્રાફિક બાબતે પણ સરકાર અને સ્થાનિક તંત્રો કામગીરીઓ કરી રહ્યા છે.
સરકારના એડવોકેટ જનરલની આ દલીલો પર મૌખિક અવલોકન કરતાં હાઈકોર્ટે કહ્યું: છેલ્લા કેટલાંયે વર્ષોથી આ પિટિશન મુદ્દે સુનાવણીઓ ચાલી રહી છે. 6 સપ્તાહોથી મુદતો આપવામાં આવી રહી છે, પરિસ્થિતિઓમાં કોઈ સુધારો જણાતો નથી. અદાલતે એ પણ ટકોર કરી કે, અમુક ઈંચ જ વરસાદ વરસે તો પણ શહેરોમાં જલભરાવ થઈ જાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ સ્થિતિઓ જોવા મળી રહી છે.
વડી અદાલતે એમ પણ કહ્યું કે, માત્ર 4 ઈંચ વરસાદ પણ તમારી સિસ્ટમને પડકાર ફેંકી શકે છે. આ મુદ્દા પર કોઈ યોગ્ય ઉકેલ આવવો જોઇએ. તમે પાણી નિકાલના રસ્તાઓ જ નથી મૂક્યા, એટલે આટલું પાણી ભરાઈ જાય છે. સુનાવણી દરમ્યાન અરજદાર એડવોકેટે એમ કહ્યું કે, ઘણાં વર્ષોથી સુનાવણીઓ ચાલે છે, સોગંદનામું રજૂ કરીને સરકાર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. પરંતુ કોઈ રાહત કે એકશન જોવા મળતાં નથી.
આ સુનાવણી દરમિયાન વડી અદાલતે સરકારના એડવોકેટ જનરલને એમ પણ કહ્યું: આ કંટેમ્પટ પિટિશનમાં રાજ્ય સરકારના માત્ર ઉચ્ચ અધિકારીઓ જ નહીં, પરંતુ મહાનગરોના પોલીસ કમિશનરો, જિલ્લાઓના કલેક્ટરો, કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓનો પણ સમાવેશ થાય છે. જો કોઈ પણ શહેરમાં અદાલતના આ આદેશનું પાલન નહીં થાય તો, આ અધિકારીઓને પણ અમે આ પિટિશનમાં જોડીશું. આગામી સુનાવણી 12મી સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.(file image)