Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા, એમ બંને જિલ્લાઓમાં છેલ્લા કેટલાંક દિવસોથી, બેઈમાન મોસમને કારણે લાખો હાલારીઓના જીવ પડીકે બંધાયા હતાં અને ખેડૂતો સહિત લાખો નાગરિકોએ કરોડો રૂપિયાની નુકસાની પણ સહન કરવી પડી, સરકારી મિલકતોને પણ નોંધપાત્ર નુકસાન થયું પરંતુ હવે બાય બાય આફત એમ કહેવા સુધી આપણે પહોંચી ગયા છીએ, એવું હાલ દેખાઈ રહ્યું છે. જો કે આફતે વિદાય લેતી વેળાએ પણ દ્વારકામાં પોતાની અસરો ઉભી કરી. પરંતુ એકંદરે હવે આપણે સૌ રાહતનો શ્વાસ લઇ શકીશું, એ સ્થિતિ સુધીની સફર આપણે પૂર્ણ કરી લીધી છે.
ઓફ શોર ટ્રફ અને ડીપ ડીપ્રેશન સહિતની એકસાથે 3-3 સ્થિતિઓ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાછલાં 4 દિવસો દરમિયાન મોટી તબાહી મચી. હાલારમાં દ્વારકા જિલ્લા ઉપરાંત જામનગર શહેરને વ્યાપક નુકસાન સહન કરવું પડ્યું. ધારેલો ન હોય એટલો વરસાદ વરસી ગયો. તંત્રોમાં દોડધામ થઈ ગઈ અને લાખો લોકોના શ્વાસ દિવસો સુધી અધ્ધર રહ્યા. આખરે કાલે ગુરૂવારે બપોર બાદ ડીપ ડિપ્રેશન હાલાર પરથી કચ્છ તરફ ફંટાયું અને કચ્છ સુધી પહોંચતા નબળું પણ પડ્યું. તેથી હવે હાલાર ભયમુક્ત બની ગયું એમ કહી શકાય, જો કે ડીપ ડિપ્રેશન નામની આ સિસ્ટમે હાલારમાંથી વિદાય લેતી વખતે જામનગર જિલ્લાને ત્રણેક ઈંચ સુધીનો વરસાદ આપ્યો અને દ્વારકામાં તો બાય બાય આફત 7 ઈંચ કરતાં વધુ વરસાદ આપી ગઈ.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન દ્વારકામાં વધુ સાડાસાત ઈંચ વરસાદ વરસી પડ્યો. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ખંભાળિયામાં દોઢ ઈંચ જેટલો, કલ્યાણપુરમાં છાંટા પડ્યા અને ભાણવડ પંથકમાં પણ હળવા ઝાપટાં નોંધાયા. આ જ સમયગાળામાં જામનગર જિલ્લામાં જોડીયામાં દોઢેક ઈંચ જેટલાં વરસાદને બાદ કરતાં તાલુકામથકોએ ખાસ વરસાદ નોંધાયો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણેક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી સૌથી વધુ ત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ લાલપુર તાલુકાના પડાણામાં અને ત્રણેક ઈંચ જેટલો વરસાદ આ જ તાલુકાના મોટા ખડબામાં નોંધાયો છે.
આ ઉપરાંત મોટી બાણુંગાર, જામ વંથલી, મોટી ભલસાણ, દરેડ, હડીયાણા, બાલંભા, લતીપુર, લૈયારા, ખરેડી, મોટા વડાળા, મોટા પાંચ દેવડા, ધુનડા, પીપરટોડા લાલપુરના મોડપર સહિતના પંથકોમાં દોઢથી માંડીને ત્રણેક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં આજે સવારે તોફાન પછીની શાંતિનો સૌ અનુભવ કરી રહ્યા છે, વરાપ જોવા મળે છે, સૂરજનો કૂણો તડકો શહેરમાં પથરાયેલો છે અને સૌ રાહતની લાગણી અનુભવી રહ્યા છે. શહેરમાં સર્વત્ર પૂર જેવી સ્થિતિઓ પછીની હાલત જોવા મળી રહી છે, ઠેરઠેર કાદવ, કીચડ, કચરો અને ગંદકી નજરે પડી રહ્યા છે, પૂરના પાણી ઓસરી ગયા છે, લોકો નવેસરથી હામ ભરી નવો દિવસ શરૂ કરી રહ્યા છે, આ સ્થિતિમાં હવે મહાનગરપાલિકાએ જોરદાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ, તૂટી ગયેલાં રસ્તાઓ નવા બનાવવા, પેચવર્ક કરવા, જ્યાં રસ્તાઓ ન હોય ત્યાં નવા રસ્તાઓ બનાવવા, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સહિતના કામો તાકીદે અને અસરકારક રીતે હાથ ધરવા જોઈએ, વીજતંત્રએ સ્થિતિઓ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ અને ખેડૂતો સહિત લાખો નાગરિકોએ જે નુકસાન સહન કર્યું છે તેમને જરૂરી સહાયો આપવા સર્વેની કામગીરીઓ ઝડપથી હાથ પર લેવી જોઈએ એવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.
કાલે ગુરૂવારે સાંજે ખુદ મુખ્યમંત્રીએ પણ જામનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી, આશા અપેક્ષા રાખીએ, એમની આ બેઠકના પરિણામો શક્ય એટલી ઝડપે જામનગર શહેર અને જિલ્લામાં જોવા મળે. આફતને બાય બાય કહી સૌ ફરી કામે વળગે, એ જરૂરી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સંભવિત વાવાઝોડાંની સ્થિતિ કચ્છ તરફ ફંટાઈ સ્થિતિઓ નોર્મલ બની રહી હોવાનો પણ અહેવાલ છે.
જો કે આજે શુક્રવારે સવારે હવામાન વિભાગ તરફથી મળેલો સંદેશો જણાવે છે કે, કચ્છના દરિયામાં સંભવિત વાવાઝોડાં ‘અસના’ (પાકિસ્તાને આપેલું નામ) રચાઈ શકે છે, હાલની આ સ્થિતિ ધીમે ધીમે કચ્છ તરફથી ઓમાન તરફ જઈ રહી છે, જેની અસરોને કારણે કચ્છમાં આજે શુક્રવારે દિવસ દરમિયાન ગમે ત્યારે ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ માસમાં જમીન પરથી દરિયા તરફ વાવાઝોડાંની સ્થિતિઓ સર્જાવાની ઘટનાને હવામાન વિભાગ રેર લેખાવે છે, 1964 અને 1976 માં આમ બનેલું, તે પછી ગુજરાતમાં આવું કયારેય બન્યું નથી, જે આજે કદાચ બની શકે છે.