Mysamachar.in-રાજકોટ:
રાજકોટ નજીક એકદમ ઉતાવળથી નવા બનાવાયેલા હીરાસર એરપોર્ટનું ઉદઘાટન કરી નાંખવામાં આવેલું. જો કે આ એરપોર્ટ ઈન્ટરનેશનલ માત્ર નામનું જ છે, એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ અહીં આવતી નથી, આવવા રાજી પણ નથી. આ સાથે જ અબજો રૂપિયાના ખર્ચે બનેલું આ એરપોર્ટ એક પ્રકારનું તકલાદી નિર્માણ હોવાનું દેખાઈ રહ્યું છે.
થોડાં સમય અગાઉ આ હીરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી પડી હતી, ત્યારે પણ ઈન્ટરનેશનલનું પૂંછડું ધરાવતાં આ એરપોર્ટની આબરૂના કાંકરા ઉડયા હતાં. ફરી એક વખત આ તકલાદી નિર્માણે સત્તાવાળાઓને અરીસો દેખાડી દીધો છે. એરપોર્ટની દીવાલ કડડભૂસ થઈ છે, એકદમ રન-વે નજીક જ લાંબી દીવાલમાં 15 ફૂટનું બાકોરૂં થઈ ગયું. રન-વે રક્ષણ વિનાનો થઈ ગયો.
આ એરપોર્ટ ખૂબ ઉતાવળે બનાવવામાં આવ્યું છે. સત્તાવાળાઓએ ઝડપી નિર્માણ વખતે સુપરવિઝન પણ યોગ્ય રીતે કર્યું નહીં હોય, ફરી વખત ઓથોરિટીની ઈજજતના ધજાગરા થયા છે. આ એરપોર્ટ બનાવવા પાછળ જેતે સમયે રૂ. 2,000 કરોડનો ખર્ચ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ બાંધકામ નિર્માણની કવોલિટી નબળી હોય લોકો આ તોતિંગ ખર્ચના આંકડાને હવે શંકાની નજરે જોવા લાગશે, એવું સમજાઈ રહ્યું છે. આ દીવાલ તૂટી પડવા અંગે એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.(file image source:google)