Mysamachar.in:જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તાજેતરના વરસાદને કારણે વ્યાપક માઠી અસરો પહોંચી છે અને મોટું નુકસાન થયું છે. વીજતંત્રને વધુ તકલીફો સહન કરવી પડી છે અને હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તોતિંગ નુકસાન પણ થયું છે, જો કે પાછલાં 48 કલાક દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાં વીજતંત્ર દ્વારા વ્યાપક કામગીરીઓ કરી, વીજપૂરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.
જામનગર સર્કલ કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, જામનગર જિલ્લામાં વીજતંત્રને સૌથી વધુ અસરો જામનગર અને જામજોધપુર તાલુકામાં થઈ છે. જિલ્લામાં આવેલાં કુલ 459 ગામો પૈકી 338 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો, જે પૈકી 260 ગામોમાં પૂરવઠો પૂર્વવત કરાયાનું તંત્ર કહે છે.
આ ઉપરાંત જણાવાયું છે કે, જામનગર જિલ્લાના વીજતંત્રના 806 ફીડર પૈકી 487 ફીડરો બંધ થયેલાં, જે પૈકી માત્ર 155 ફીડર જ રીપેર થઈ શક્યા છે જેનો મતલબ એમ કે, 332 ફીડર હેઠળના હજારો વીજજોડાણધારકો હજુ અંધારપટ ભોગવવા મજબૂર છે. તંત્ર કહે છે, જિલ્લામાં કુલ 172 વીજથાંભલાને નુકસાન થયું છે, જે પૈકી એક પણ જગ્યાએ સમારકામ થઈ શક્યું નથી. તંત્ર કહે છે: આ વરસાદમાં જિલ્લામાં માત્ર 1 જ ટ્રાન્સફોર્મરને અસર થઈ છે, તે હજુ રિપેર થયું નથી. જો કે તંત્રના આ આંકડાઓ કોને માન્યામાં આવે ? આડે દિવસે પણ સંખ્યાબંધ ટ્રાન્સફોર્મરમાં લોચા જોવા મળતાં હોય છે. તંત્ર કહે છે: જિલ્લામાં આશરે રૂ. 14.50 લાખનું નુકસાન થયું છે.
આ ઉપરાંત જામનગર સર્કલ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજતંત્ર દ્વારા પણ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ જિલ્લાના 263 પૈકી 218 ગામોમાં અંધારપટ છવાયેલો, તંત્ર કહે છે: 96 ગામોમાં વીજપૂરવઠો પૂર્વવત કર્યો. 305 ફીડર પૈકી 211 ફીડર બંધ થયેલાં, જે પૈકી 51માં સમારકામ થયું. 180 વીજથાંભલાને નુકસાન થયું, એક પણ જગ્યાએ સમારકામ થયું નથી. દ્વારકા જિલ્લામાં પણ માત્ર એક જ ટ્રાન્સફોર્મર બગડયું, જો કે તે હજુ રિપેર થયું નથી. આ જિલ્લામાં વીજતંત્રને રૂ. 12.39 લાખનું નુકસાન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે.