Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને હાલાર સહિત આમ તો સમગ્ર રાજ્યમાં કયાંય હવે વધુ વરસાદની આવશ્યકતાઓ નથી પરંતુ છેલ્લા 3-4 દિવસથી મેઘરાજા જે રીતે સમગ્ર રાજ્યને ઘમરોળી રહ્યા છે તેના પરથી દેખાઈ રહ્યું છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લીલા દુષ્કાળના ભયથી લોકો થથરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં હાલના તોફાની પવન સાથેના અને એકધારા વરસાદને કારણે કરોડો લોકોને ભારે નુકસાન સહન કરવાની સ્થિતિ જોવા મળી રહી છે, ઠેરઠેર જળબંબાકાર જોવા મળે છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વીતેલાં 24 કલાક દરમિયાન જોરદાર વરસાદ પડ્યો છે, ભાણવડમાં તો મેઘરાજાએ ભૂક્કો બોલાવી દીધો. માત્ર 24 કલાકમાં 12 ઈંચ પાણી ઠાલવી દીધું. બુધવારની સવારના 6 વાગ્યાથી આજે ગુરૂવારની સવારના 6 વાગ્યા સુધીમાં આ વરસાદ નોંધાયો. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન દ્વારકામાં સાડા આઠ ઈંચથી વધુ, ખંભાળિયામાં 9 ઈંચ, કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ વરસાદ વરસતાં સમગ્ર દ્વારકા જિલ્લામાં લીલા દુકાળની સ્થિતિઓ સર્જાઈ ચૂકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ દ્વારકા જિલ્લામાં બેફામ વરસાદ વરસી ચૂક્યો છે.
જામનગર જિલ્લા કંટ્રોલ રૂમનો સંદેશો જણાવે છે કે, આજે સવારે 8 વાગ્યે પૂર્ણ થયેલાં 26 કલાક દરમિયાન જામનગરમાં વધુ 4.5 ઈંચ વરસાદ વરસી ગયો. જામનગર શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે, લાખો લોકો પરેશાન છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન જોડીયામાં 3 ઈંચ, ધ્રોલમાં 2.5 ઈંચ, કાલાવડમાં 7.5 ઈંચ જેટલો, લાલપુરમાં 7 ઈંચ જેટલો અને જામજોધપુરમાં વધુ 9.25 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો. આજે સવારે 6 થી 8 દરમિયાન પણ જામનગર શહેર ઉપરાંત કાલાવડ અને જામજોધપુરમાં હળવા છાંટા વરસ્યા હતાં.