Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં કોઈ પણ વિસ્તારમાં અને ઘણાં બધાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, ગમે ત્યાં પૂર જેવી આફતો પણ આવી શકે છે, તમામ તંત્રોને સાબદાં કરવામાં આવ્યા છે, જરૂર પડ્યે બોટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, સાથેસાથે લોકોને પણ સંભવિત સ્થળાંતર સહિતની બાબતો અંગે સાવચેત કરવામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાત પર એકસાથે 3-3 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય ગમે ત્યારે આફતની સ્થિતિઓ આવી શકે છે, સૌએ તકેદારી રાખવી આવશ્યક.
જામનગર અને ખંભાળિયા તથા દ્વારકા વચ્ચેના વાહનવ્યવહાર માફક જામનગર અને રાજકોટ વચ્ચેનો વાહનવ્યવહાર પણ આજે સવારે 11 વાગ્યે બંધ હોવાનો અહેવાલ મળેલ છે. ખંભાળિયા રોડ પર બેડ નજીક સસોઈ નદીના કારણે તથા રાજકોટ રોડ પર પડધરી નજીક રસ્તાઓ બ્લોક છે. રાજકોટ અને કાલાવડ વચ્ચેનો માર્ગ પણ બંધ છે. તકેદારીના ભાગરૂપે જામનગર અને કાલાવડ વચ્ચે ST વ્યવહાર બંધ કરવામાં આવ્યાનું જાણવા મળે છે.
જામનગર અને દ્વારકા સહિત બધાં જ જિલ્લાઓમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, કલેક્ટર તંત્ર, કોર્પોરેશન તંત્ર, સિંચાઈ વિભાગ અને માર્ગ તથા મકાન વિભાગને તેમજ વીજતંત્રને સાબદાં રાખવામાં આવ્યા છે. બધાં જિલ્લાઓમાં SDRF અને NDRFની ટીમોને સાબદાં રાખવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન આપી રહ્યા છે, બધાં જ કંટ્રોલરૂમ કાર્યરત છે. લોકોએ પણ બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું , તકેદારી આવશ્યક છે.
