Mysamachar.in-અમદાવાદ:
કાચા કામના જે કેદીઓએ કુલ મહત્તમ સજા પૈકીની ત્રીજા ભાગની સજા અન્ડરટ્રાયલ કેદી તરીકે કાપી લીધી હોય, એવા કેદીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-479માં આ જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે, આ જોગવાઈ 1 જૂલાઈ પહેલાંના કેસોમાં પણ લાગુ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ એવી જોગવાઈ હતી કે, કુલ સજાની અડધી સજા કાપેલા આ પ્રકારના કેદીઓને આ રીતે જામીન મુક્તિ આપવામાં આવતી હતી.
સુપ્રિમ કોર્ટે આ પ્રકારની મંજૂરી આપીને દેશભરના જેલ અધિક્ષકોને તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. આ જામીન માટે કોર્ટ સમક્ષ અરજી આવ્યા બાદ વધુમાં વધુ 3 મહિનામાં આ કામગીરીઓ પૂર્ણ કરવાની રહેશે. જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વરિષ્ઠ વકીલે જણાવ્યું કે આથી જેલોમાં ભીડ ઓછી થશે.
આ સમગ્ર પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા અને આ અંગે સોગંદનામુ દાખલ કરવા તમામ રાજ્યોને સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્રકારનું સૂચન અગાઉ સુપ્રિમ કોર્ટની જેલ સુધારણા સમિતિએ કરેલું જ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, અગિયાર વર્ષ અગાઉ સુપ્રિમ કોર્ટના એક પૂર્વ ન્યાયમૂર્તિએ કહેલું કે, કેદીઓની સંખ્યા મામલે દેશની જેલોમાં અમાનવીય સ્થિતિઓ છે. ત્યારબાદ ન્યાયમૂર્તિના આ પત્રને જાહેર હિતની અરજી બનાવવામાં આવી હતી અને એ અનુસંધાને સુનાવણીઓ થઈ રહી હતી. અને આખરે આ મુદાને મંજૂરી મળી છે અને હવે તેનો અમલ શરૂ થશે.(symbolic image source:google)