Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં શરાબના ધંધાર્થીઓ સંખ્યાબંધ વાહનોનો ઉપયોગ કરતાં હોય છે, આ પ્રકારના હજારો વાહનો શરાબના કેસમાં પોલીસ કબજે લઈ લેતી હોય છે, પછી આવા મોટાભાગના વાહનો પોલીસ સ્ટેશનોમાં ધીમે ધીમે ભંગાર બની જતાં હોય છે, એક અર્થમાં આ બાબત રાષ્ટ્રીય સંપત્તિનો વેડફાટ સાબિત થતી હોય છે, હવે ગુજરાત સરકાર આ વાહનો હરાજીમાં વેચી નાણાં પ્રાપ્ત કરશે,
આ નાણાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચાલતી કલ્યાણ યોજનાઓમાં ખર્ચ કરવામાં આવશે. આ પ્રકારનું તાર્કિક પગલું ભરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ વાહનો કોઈ પણ નાગરિક હરાજીમાં બોલી દ્વારા ખરીદી શકશે. ટૂંકમાં, બુટલેગરના લકઝરી કાર સહિતના વાહનો હવે પોલીસ સ્ટેશનમાં ભંગાર બનવાને બદલે સારાં માણસો હસ્તક રસ્તાઓ પર દોડશે. લોકોને આ પ્રકારના વાહનો સસ્તામાં ખરીદવા તક મળી શકે છે.
આ માટે રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમમાં સુધારો કર્યો. આ સુધારા વિધેયક ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં રજૂ કર્યું. ધારો કે, આવા કબજે લેવાયેલા વાહનના કોઈ કેસમાં આરોપી અદાલતમાં નિર્દોષ સાબિત થાય તો, તેને હરાજીમાં વેચાણ થયેલાં તે વાહનની રકમ વ્યાજ સહિત પરત મળશે. (આ જોગવાઈ નિર્દોષ સાબિત થયેલા બુટલેગર માટે લાભકારી પૂરવાર થશે). આ પ્રકારના વાહનોની હરાજી કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીઓ હસ્તક જ રહેશે. આ હરાજી માટે સરકાર નવી ગાઈડલાઈન બનાવશે, જેના નિયમો હવે પછી જાહેર થશે.(symbolic image source:google)