Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં ભંગાર ટ્રાફિક વ્યવસ્થાઓ, ગેરકાયદેસર પાર્કિંગ, રખડતાં પશુઓ અને ફૂટપાથો પર દબાણો સહિતના મુદ્દે રાજ્યની હાઈકોર્ટ હવે કોઈ પણ પ્રકારની લાલિયાવાડીઓ ચલાવી લેશે નહીં, એવું સમજાઈ રહ્યું છે. વડી અદાલત સરકારના વિવિધ વિભાગોથી અતિશય નારાજ છે અને ઉચ્ચ અધિકારીઓ આવી સમસ્યાઓના ઉપાયો, ઉકેલો અને નિરાકરણ મામલે માત્ર વાતો જ કરી રહ્યા છે એમ જણાવીને વડી અદાલતે સચિવો કક્ષાના અધિકારીઓને અદાલતમાં હાજર રહેવા ફરમાન કરતાં સરકારની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત સમગ્ર રાજયમાં ટ્રાફિક જંગલરાજ અને રઝળતાં પશુઓ સહિતના મુદ્દે સરકાર વર્ષોથી સરિયામ નિષ્ફળ છે. અધિકારીઓ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરીઓ કરતાં નથી અને ચૂંટાયેલા આગેવાનોને તો જાણે કે, આવી લોક સમસ્યાઓ સાથે કોઈ જ લેવાદેવા ન હોય તેમ, આવી બાબતો અંગે એક પણ શબ્દ બોલતાં નથી. અધિકારીઓને ઠપકો પણ આપતા નથી. જાણે કે તેઓ અન્ય ગ્રહના રહેવાસીઓ છે ! આ પ્રકારની અંધાધૂંધીને કારણે રાજ્યની વડી અદાલત સરકારની કામગીરીઓ પ્રત્યે ગંભીર રીતે નારાજ છે. અદાલતને એ પણ ખબર પડી ગઈ છે, સરકારી અધિકારીઓ અદાલતોના હુકમોનું પણ પાલન નથી કરતાં, આમ છતાં સરકાર મૌન છે !
રાજ્યની વડી અદાલતે ગત્ સુનાવણીમાં સરકારના જવાબોથી નારાજ થઈ જણાવ્યું હતું કે, તમારાં મોટાં સાહેબને અદાલતમાં બોલાવવા પડશે. ત્યારબાદ કાલે ગુરૂવારની સુનાવણીમાં વડી અદાલતે ફરમાન કર્યું છે કે, આગામી 29મીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે અદાલતમાં જાતે હાજર રહેવું.
વડી અદાલતે સુનાવણીમાં સ્પષ્ટ કહ્યું: રખડતા ઢોર અને ગેરકાયદેસર પાર્કિંગ સહિતના મુદ્દે અદાલતે 2018થી અત્યાર સુધીમાં 60 હુકમો કર્યા છે. છતાં કોઈ પરિણામ આવ્યું નથી. છેલ્લી 6 મુદતથી અદાલત બધું જોઈ રહી છે, કોઈ જ સંતોષકારક કામગીરીઓ થતી નથી. વડી અદાલતે સરકારને ત્યાં સુધી કહ્યું: તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે. ટૂંકમાં, અદાલતના વલણ પરથી એવું દેખાઈ રહ્યું છે કે, અદાલત હવે આવી બાબતોમાં નિર્ણાયક બનવા જઈ રહી છે. સરકાર માટે આગામી સમય આ અર્થમાં ભારે રહેશે એવું સમજાઈ રહ્યું છે.(ફાઈલ તસ્વીર)