Mysamachar.in-જામનગર:
જામનગરમાં તાજેતરમાં વધુ એક બાંધકામ કામગીરીઓ દરમિયાન એક ખાનગી સાઈટ પર, એક શ્રમિકનું મોટી ઉંચાઈ પરથી ગબડી પડ્યા બાદ, સારવાર દરમિયાન મોત નિપજયું હોવાની દુર્ઘટનાના મામલામાં સંબંધિત તંત્ર દ્વારા બાંધકામની આ સાઈટ બંધ કરાવી દેવામાં આવી છે અને અન્ય જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હોવાનું તંત્ર જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વાલકેશ્વરી સોસાયટી વિસ્તારમાં કોચ હાઉસ નજીક માધવ સ્કાય નામની કોઈ રિઅલ એસ્ટેટ કંપનીનો બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ગત્ 19મી એ અહીં એક દુર્ઘટના બનેલી. 28 વર્ષનો એક બાંધકામ શ્રમિક આ બાંધકામના 12મા માળેથી જમીન પર પટકાયો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આ ઈજાગ્રસ્ત શ્રમિકને જો કે તાકીદની સારવાર આપવાનો પ્રયાસ થયો પરંતુ આ શ્રમિકે આખરે દમ તોડી દીધો હતો.
આ બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં હીરેન પટેલ દ્વારા આ દુર્ઘટના અંગે વિગતો જાહેર કરવામાં આવેલી. તે દરમિયાન, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે આ બાંધકામ સાઈટની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન બેદરકારીઓ સામે આવતાં, આ વિભાગના અધિકારી ગઢવીએ આ બાંધકામ સાઈટ હાલ બંધ કરાવી દીધી છે અને બિલ્ડરના નામે નોટિસ ઈસ્યુ કરી સૂચનાઓ આપી છે કે, સાઈટ પર જરૂરી સુરક્ષા સલામતી સાત દિવસમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ જ આ સાઈટ પર બાંધકામ પ્રવૃતિઓ હાથ ધરી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં લાંબા સમય બાદ આ પ્રકારના મામલામાં બાંધકામ પ્રોજેક્ટ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ થતાં બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે.
