Mysamachar.in-જામનગર:
જામનગરમાં દર વર્ષે જન્માષ્ટમી લોકમેળાઓ વિષે જાતજાતની અને મોટી મોટી વાતો કરવામાં આવે છે અને દર વર્ષે રેકર્ડ પર એવું જોવા મળે છે કે, લોકમેળાઓના ઉદઘાટનની આગલી સાંજ સુધી મેળાઓ સંબંધિત કોઇ જ સતાવાર સ્પષ્ટતાઓ જાહેર થતી નથી અને પછી અચાનક ઉદઘાટનની વધામણીઓના ફોટા તથા વીડિયોઝ વાયરલ કરી, તાળીઓ અને વાહવાહી ઉઘરાવવામાં આવે છે, આ વખતે પણ લોકમેળાઓના હજુ સુધી કોઈ જ ઠેકાણાં નથી. બધું ભંભેભંભ દોડી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
Mysamachar.in દ્વારા આજે સવારે શહેર SDM કચેરીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બધે જ એવું જાહેર થયેલું છે કે, જામનગરમાં લોકમેળાઓ તા. 20/08 થી 03/09 સુધી યોજાશે. તેની સામે આજે 20 ઓગસ્ટે સવારે SDM કચેરીને એ પણ ખબર નથી કે, મેળાના કેટલાં ધંધાર્થીઓએ આ કચેરી પાસે પર્ફોમન્સ લાયસન્સની માંગણી કરી છે ? રાજ્ય સરકારે આ વર્ષે લોકમેળાઓ માટે વિશેષ SOP જાહેર કરી છે, આ SOPની વિગતો જામનગર SDM કચેરી દ્વારા લોકોની જાણકારીઓ માટે સ્થાનિક સ્તરે માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવી નથી. આ ઉપરાંત આ વર્ષે જિલ્લાકક્ષાએ રાઈડ્સ માટે ખાસ કમિટી બનાવવામાં આવી છે, આ કમિટીમાં કોણ કોણ છે, મુખ્ય અધિકારી કોણ છે, આ કમિટીએ શું ફરજો નિભાવવાની છે, કમિટીએ સરકારની કઈ માર્ગદર્શિકાનું પાલન કરવાનું અને ધંધાર્થીઓ પાસે કરાવવાનું છે અને આ કમિટી સમક્ષ જામનગરમાં રાઈડ્સના કેટલાં ધંધાર્થીઓની અરજીઓ આવી છે- વગેરે કોઇ જ વિગતો જિલ્લા તંત્ર દ્વારા આજની તારીખ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ ઉપરાંત ચોમાસામાં મચ્છરોથી બચવા શું કરવું જોઈએ ? એવી ફાલતૂ અખબારી યાદીઓ પ્રગટ કરતી મહાનગરપાલિકાએ આજની તારીખ સુધી, મેળામાં વીજપૂરવઠા બાબતે શું શું કરવામાં આવ્યું છે, વીજને કારણે આગ અકસ્માત ન સર્જાય તે માટે શું જોગવાઈઓ કરવામાં આવી અથવા મેળામાં ફાયર પ્રિવેન્શન માટે તેમજ કોઇ રાઈડ્સ તૂટી ન પડે, અકસ્માત ટાળી શકાય-એ માટે મહાનગરપાલિકાએ શું કાર્યવાહીઓ કરી ? આ અંગેની એક પણ અખબારી યાદી મેળા નિયંત્રણ-આયોજક અધિકારી(JMC) દ્વારા જાહેર કરવામાં આવી નથી, કોર્પોરેશન અને SDM તંત્ર લોકમેળાઓ અંગેની રજેરજની વિગતો લોકોની જાણકારીઓમાં શા માટે નથી મૂકતાં ? લોકોમાં મોઢા એટલી વાતો આ વર્ષે પણ થઈ રહી છે અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ તાજો હોય, આ વર્ષે લોકમેળાઓ અંગે નગરજનો અને હાલારીઓ ચિંતાઓથી આશંકિત છે.