Mysamachar.in-જામનગર:
રસ્તાઓ પરના ખાડાને કોઈ ગંભીરતાથી લેતું નથી. શાસકો અને તંત્ર ખાડાને સામાન્ય લેખતાં હોય છે અને કરદાતા વાહનચાલકો પણ ખાડા અંગે ઉહાપોહ મચાવવાને બદલે બધું જ સહન કરી લ્યે છે. ખરેખર જૂઓ તો, રસ્તાઓ પરના ખાડા અતિ ગંભીર મામલો છે, આ ખાડા લાખો વાહનોને ભાંગતૂટ અને અકસ્માત તથા નુકસાન તો આપે જ છે, સાથેસાથે કરદાતા નગરજનોને આ ખાડા કમરદર્દ પણ આપી શકે છે. આથી ખરેખર તો ખાડા બાબતે કરદાતા નગરજનોએ વધુ સંવેદનશીલ બની આક્રમકતા દેખાડવી જોઈએ અને શાસકો તથા તંત્રના આ મુદ્દે કાન આમળવા જોઈએ, એવું એક અભ્યાસ પરથી દેખાઈ રહ્યું છે.
ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હાડકાંના વિભાગની જે ઓપીડી હોય છે તેમાં 100 પૈકી 60-65 દર્દીઓ કમરદર્દથી પિડાતા હોય છે. આ દર્દને કારણે તેમને અનેક પ્રકારની તકલીફો વેઠવી પડે છે, તેમની જિંદગી ઝેર થઈ જાય છે. જો કે કમરદર્દ થવા પાછળ અન્ય કારણો સ્થૂળતા, વાયરલ દુ:ખાવા વગેરે પણ જવાબદાર હોય છે પરંતુ રસ્તાઓ પરના ખાડા પણ લોકોના કમરદર્દ પાછળ મહત્વપૂર્ણ ફેક્ટર છે.

તાજેતરમાં રાજ્યમાં કમરદર્દ અંગે થયેલો અભ્યાસ કહે છે, રસ્તાઓ પરના ખાડા પણ વાહનચાલકોના કમરદર્દ માટે મહદ્ અંશે જવાબદાર હોય છે. ચોમાસામાં અને રૂટિન દિવસોમાં પણ રસ્તાઓ પરના ખાડા અને નબળી કવોલિટીના જર્જરિત રસ્તાઓ કરદાતાઓને કમરદર્દની ભેટ આપે છે. આ ઉપરાંત લોકોને કરોડરજ્જુની તકલીફ પણ વધી રહી છે. વધુ સમય કોમ્પ્યુટર સમક્ષ બેસવું- વધેલું પેટ- ગંભીર વાયરલ ઈન્ફેકશ બાદ લાગુ પડતો રોગ જેવા કારણોસર પણ કમરદર્દ થઈ શકે છે. આ ઉપરાંત વધુ વજનવાળા દફતરને કારણે પણ બાળકોમાં કમરદર્દ જોવા મળતું હોય છે.
