Mysamachar.in-અમદાવાદ:
જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાંક સમયથી એક ચિંતાપ્રેરક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ એવો છે કે, લોકો પોતાની બચતો બેંક થાપણોને બદલે અન્ય જગ્યાએ રોકી રહ્યા છે. બીજી તરફ એમ પણ જોવા મળે છે કે, બેંકો થાપણો પર બહુ આકર્ષક વ્યાજ આપી રહી નથી, અને હાલ જે વ્યાજ લોકોને આપવામાં આવી રહ્યું છે તે, ફૂગાવાને કારણે આકર્ષક દેખાઈ રહ્યું નથી. પરિણામે, બેંક ડિપોઝિટ ઘટી રહી છે અથવા તેનો વૃદ્ધિદર નોંધપાત્ર નથી. આ સાથે જ બેંકોમાં થાપણ-ધિરાણ તફાવત પણ વધી રહ્યો છે, જેને કારણે બેન્કોની હાલત ‘પતલી’ બની રહી છે, આ વિષય ચિંતાપ્રેરક છે.
દેશના નાણાંમંત્રીએ ખુદે આ ચિંતાઓ જાહેરમાં વ્યક્ત કરી છે. નિર્મલા સીતારમણે રિઝર્વ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકને સંબોધી લીધાં બાદ જણાવ્યું કે, લોકો બેંકોમાં પૈસા જમા કરાવવાથી દૂર રહેતાં હોવાનું વલણ જોવા મળે છે. જે ચિંતાપ્રેરક છે. તેમણે કહ્યું: બેંકોએ પોતાની મુખ્ય કામગીરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અને, લોકો બેન્કોમાં નાણાં જમા કરાવવા પ્રેરાય તે માટે બેંકોએ નવી અને આકર્ષક યોજનાઓ જાહેર કરવી જોઈએ.
સીતારમણે કહ્યું: લોકોની સ્થાનિક બચત વધુ ને વધુ અન્ય નાણાંકીય પ્રોડક્ટ્સમાં જઈ રહી છે. તેથી આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. સરકાર અને રિઝર્વ બેન્ક બંને આ મુદ્દે બેંકોને કહી રહ્યા છે. બેંકોએ થાપણો મેળવવા આક્રમક નીતિઓ ઘડવી જોઈએ. લોન્સ અને ડિપોઝિટ ગ્રોથ વચ્ચે તફાવત જોવા મળી રહ્યો હોય, એવા કિસ્સાઓમાં બેંકોએ વધુ ડિપોઝિટ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમણે બેંકોને એમ પણ કહ્યું કે, RBIએ તમને વ્યાજદરોમાં છૂટછાટ આપી છે, તેનો લાભ લઈ બેંકોએ વધુ ડિપોઝિટ મેળવવી જોઈએ. બેંકો થાપણ પરના વ્યાજદર વધારી શકે છે. અધિકારીઓએ બલ્ક ડિપોઝિટ મેળવવાની સાથે નાના રોકાણકારોને પણ ડિપોઝિટ માટે આકર્ષવા જોઈએ. RBI ગવર્નરે પણ કહ્યું: ડિપોઝિટ ઘટે છે, ડિજિટલી લોન આપવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં બેંકોએ ડિપોઝિટ વધારવી જોઈએ.