Mysamachar.in-જામનગર:
હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વક્ફ મુદ્દો ચર્ચાઓમાં છે. વક્ફ એક એવી સંસ્થા છે, જેની પાસે દેશના દરેક રાજ્યમાં મિલ્કતો છે. આ મિલ્કતો આ સંસ્થાને દાનમાં (સખાવતમાં)મળેલી હોય છે. હાલમાં કેન્દ્ર સરકાર આ મામલો સંસદમાં લાવી છે. જ્યાં બધાં જ વિપક્ષોએ સરકારના પગલાંનો વિરોધ વ્યક્ત કર્યો. આથી આ મામલો અભ્યાસ માટે હાલ સંયુકત સંસદીય સમિતિને મોકલી આપવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ વક્ફ બોર્ડ પાસે હજારો મિલ્કતો છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર જિલ્લામાં આ બોર્ડ પાસે 199 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 142 મિલ્કતો છે. આમ હાલારમાં વક્ફ બોર્ડ પાસે કુલ 341 મિલ્કતો છે. રાજ્યમાં આ બોર્ડ પાસે કુલ 39,940 સ્થાવર મિલકત છે, જે પૈકી 18,749 મિલકતોનો જીપીએસ સર્વે થયેલો છે. ઘણી આવી સ્થાવર મિલકત વિવાદમાં પણ હોય છે.
ગુજરાતમાં 01-11-2013થી વક્ફ બોર્ડ હસ્તકની મિલકતોના વેચાણ અને હસ્તાંતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમ છતાં આવી 36 મિલકતોના વેચાણ વિવાદી છે, આ મિલકતોની કિંમત રૂ. 300 કરોડ આસપાસ છે. ગુજરાતમાં વક્ફ મિલકતો સંબંધિત 2,399 મામલા અદાલતોમાં છે. ગુજરાતમાં આ બોર્ડ પાસે સ્થાવર ઉપરાંત જંગમ મિલકતો હજારોની સંખ્યામાં છે.
વક્ફ બોર્ડ હસ્તકની મિલકતો ધર્માદામાં અપાયેલી હોય છે, જે પૈકી મોટાભાગની મિલ્કતો શહેરોમાં લગડી મિલકતો તરીકે હોય છે. જેમાં પેશકદમી અને દબાણોની સમસ્યાઓ હોય છે. ઘણાં કેસમાં બોગસ દસ્તાવેજથી કબજો પણ મેળવી લેવાયેલો હોય છે. અદાલતોમાં આવા કેસ ચાલતાં રહેતાં હોય છે.
હાલમાં સરકારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરતાં જામનગરથી માંડી જલંધર સુધી, દ્વારકાથી માંડી દિલ્હી સુધી- દેશભરમાં વક્ફ બોર્ડ અને બોર્ડ હસ્તકની મિલ્કતો ચર્ચાઓમાં આવી છે. વક્ફ બોર્ડ દેશની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંસ્થા છે. રેલવે અને સંરક્ષણ મંત્રાલય પછી, દેશમાં આ ત્રીજી એવી સંસ્થા છે જેની પાસે સૌથી વધુ જમીન (આશરે 9 લાખ એકર) છે. જેને કારણે સરકારનું હાલનું બિલ ચર્ચાઓમાં છે.
વક્ફ અરબી શબ્દ વકુફા પરથી આવ્યો છે. જેનો અર્થ છે રોકવું. ઈસ્લામ ધર્મમાં વક્ફ એ દાનનું સ્વરૂપ છે. આ મિલ્કતો સમાજને સમર્પિત હોય છે. સામાન્ય રીતે આ મિલ્કતોની આવક આરોગ્ય અને શિક્ષણ પાછળ ખર્ચ કરવાની હોય છે. આ આવકમાંથી કબ્રસ્તાન, મસ્જિદ કે અનાથાશ્રમ પણ બનતાં હોય છે. ગુજરાતનું વક્ફ બોર્ડ દેશનું આઠમા ક્રમનું શ્રીમંત બોર્ડ છે.