Mysamachar.in-ગાંધીનગર:
RTE અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં નિયત સંખ્યામાં એડમિશન આપવામાં આવે છે અને આ બાળકોને ભણાવતી શાળાઓને બાળકના વાલી વતી સરકાર નાણાં ચૂકવે છે. આ રીતે થતી નાણાંની ચૂકવણીમાં ગુજરાત દેશભરમાં પહેલો નંબર ધરાવે છે. પાછલાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે ખાનગી શાળાઓને આ માટે રૂ. 2,334 કરોડ આપ્યા છે, દર વર્ષે આ આંકડો મોટો થતો રહ્યો છે.
બાળકોને વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણ (RTE) માટે ખાનગી અને બિન અનુદાનિત શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. આ માટે વ્યવસ્થાઓ એવી છે કે, સરકાર આ બાળકદીઠ ખાનગી શાળાઓને વળતર એટલે કે નાણાં આપે છે. આ અંગેની પાછલાં પાંચ વર્ષની માહિતીઓ હાલમાં લોકસભામાં રજૂ થઈ. જેમાં આંકડા કહે છે, આ માટે દેશભરમાં સૌથી વધુ નાણાં ગુજરાતમાં ચૂકવવામાં આવ્યા છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે ખાનગી શાળાઓને રૂ. 2,334 કરોડનું ચૂકવણું કર્યું છે. જે દેશમાં સૌથી વધુ છે. બીજા નંબરે રાજસ્થાન છે. ગુજરાતે 2020-21માં રૂ. 285 કરોડ, 2021-22માં રૂ. 404 કરોડ, 2022-23માં રૂ. 412 કરોડ, 2023-24માં રૂ. 582 કરોડ અને વર્ષ 2024-25માં રૂ. 649 કરોડ ખાનગી શાળાઓને RTE પેટે આપ્યા છે.
આ તમામ નાણાં સૌ પ્રથમ રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી આપવાના હોય છે, બાદમાં કેન્દ્ર સરકાર સમક્ષ આ નાણાંનો કલેઈમ મૂકવાનો હોય છે, તેમાંથી જે રકમ મંજૂર થાય તેટલી રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપે. બાકીની રકમ રાજ્ય સરકારે ભોગવવાની રહે. ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ કુલ રૂ. 2,334 કરોડની રકમનો કલેઈમ મૂકેલો, કેન્દ્ર સરકારે તે પૈકી રૂ. 700 કરોડ નામંજૂર કર્યા છે.
રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ આ રકમનો જે કલેઈમ મૂકે તેમાં યુટિલાઈઝેશન સર્ટિફિકેટ, અપ-ટુ-ડેટ ખર્ચના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ વગેરે દસ્તાવેજ રજૂ કરવાના હોય, જેના આધારે કેન્દ્ર સરકાર રાજ્યના કલેઈમ મંજૂર કરતી હોય છે. રાજસ્થાન સરકારના વળતર કલેઈમ વધુ મંજૂર થયા છે.(symbolic image source:google)