Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત સરકારે તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે, રાજ્યમાં દરિયાકિનારે મેનગ્રુવ કવર વધવા પામ્યું છે અને આ દાવા સાથે સરકારે જાતે પોતાની પીઠ થાબડી હતી, ત્યાં જ કેન્દ્ર સરકારના નીતિ આયોગનો આ સંબંધે એક રિપોર્ટ જાહેર થયો. આ રિપોર્ટમાં ગુજરાતને આ બાબતે માત્ર ‘5’ માર્ક જ મળતાં ગુજરાત આ બાબતે ‘ઠોઠ’ સાબિત થયું.
નીતિ આયોગનો એક રિપોર્ટ કહે છે: દેશના દરિયાકાંઠે આવેલાં તમામ રાજ્યો પૈકી એક માત્ર ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં 2020-21ની સરખામણીએ વર્ષ 2023-24 માં મેનગ્રુવ વૃક્ષો ઘટયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વૃક્ષ દરિયો અને જમીન જ્યાં એકમેકને ટચ થતાં હોય ત્યાં પાણીમાં ઉગે છે, દરિયાને આગળ વધતો અટકાવે છે, દરિયાકિનારાની જમીનોનું પાણીથી થતું ખવાણ-ધોવાણ અટકાવે છે અને આ વૃક્ષ દરિયાઈ જીવ સૃષ્ટિને પોષણ તથા સંરક્ષણ પૂરૂં પાડે છે.
લાઈફ અન્ડર વોટર માટે દરિયાઈ મેનગ્રુવ અતિ ઉપયોગી છે. નીતિ આયોગના આ રિપોર્ટની હકીકતો રાજ્ય સરકારના ધ્યાન પર હતી. છતાં હાલમાં મેનગ્રુવ બાબતે ગુજરાતમાં વાહવાહી થઈ. પરંતુ આ રિપોર્ટ બહાર આવતાં હકીકત સામે આવી ગઈ છે. નીતિ આયોગ દ્વારા આ રિપોર્ટ કુલ 16 માપદંડના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જે પૈકી 2 જ માપદંડમાં ગુજરાતનો દેખાવ શ્રેષ્ઠ છે. બાકીના 14 માપદંડમાં અન્ય રાજ્યો સારા દેખાવને કારણે ટોચનું સ્થાન લઈ ગયા છે.
રિપોર્ટનું તારણ છે, ગુજરાત એકવા કલ્ચરમાં નિષ્ફળ રહ્યું છે. લાઈફ અન્ડર વોટર કેટેગરીમાં ગુજરાત તળિયે છે. ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ અને પીસ જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઈન્સ્ટીટયૂશનમાં ગુજરાતનો દેખાવ સારો છે. દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય દરિયાકિનારે વસતાં લોકોના અને એકવા કલ્ચરના વિકાસમાં પાછળ રહ્યું છે. મમતા બેનરજીના પશ્ચિમ બંગાળે 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા, ને ગુજરાતને 100માંથી 5 માર્ક મળેલ છે. આ માર્ક નીતિ આયોગના રિપોર્ટમાં જાહેર થયા. નીતિ આયોગ કેન્દ્રીય સંસ્થા છે.(file image source:google)