Mysamachar.in-જામનગર:
સુપ્રિમ કોર્ટે વર્ષો અગાઉ દેશભરમાં ધાર્મિક દબાણો દૂર કરવા અંગે નિર્દેશ આપેલાં છે. જેનું ઘણાં વર્ષોથી રાજ્યોની સરકારો દ્વારા પાલન થતું ન હતું, આથી થોડાં સમય અગાઉ ગુજરાતમાં વડી અદાલતે, સુપ્રિમ કોર્ટના આ નિર્દેશનું કડક પાલન કરવા અંગે સરકાર પર દબાણ વધાર્યું. ત્યારબાદ, ગુજરાત સરકારે આ દિશામાં નક્કર કાર્યવાહીઓ અને કામગીરીઓ હાથ ધરી છે, જેનો હાલ પ્રારંભિક તબક્કો ચાલી રહ્યો છે. જો આ કામગીરીઓ આગળ વધશે તો, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં ‘સફાયો’ નિશ્ચિત છે. જેમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ ચાલી શકશે નહીં. આ વિષય રજૂઆત કે ધાર્મિક લાગણીનો રહ્યો નથી, સમગ્ર મામલો વહીવટી પગલાંઓનો બની ગયો છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ આ કાર્યવાહીઓ ચોક્કસ ઝડપે આગળ વધી રહી છે.
જામનગર કલેક્ટર બી.કે.પંડયાએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશ અનુસાર, જામનગર જિલ્લામાં પણ આ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં રાજ્ય ધોરીમાર્ગો પસાર થઈ રહ્યા છે. આ રસ્તાઓની તદ્દન નજીક કેટલીય ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જે પૈકી કેટલીક વિકસિત પણ છે. આ ધાર્મિક સ્થાનો પૈકી 1,800 જગ્યાઓની ‘ઓળખ’ રેકોર્ડ પર પ્રસ્થાપિત થયેલી છે, જે તમામને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કબજા દબાણ સંબંધે નોટિસ મોકલી આપવામાં આવી છે.
જીલ્લા કલેકટર બી.કે.પંડયાએ વધુમાં કહ્યું કે અમારી ટીમ આ કામગીરી માટે મક્કમતાથી આગળ વધી રહી છે. વધુમાં જણાવ્યું કે, આ ધાર્મિક સ્થાનો પૈકી ઘણાં સ્થાનો એવા છે જ્યાં ધાર્મિક પ્રવૃતિઓ થઈ રહી છે પરંતુ ત્યાં નોટિસ મેળવનાર કોઇ નથી. રેકોર્ડ પર કબજેદાર કોઈ નથી. આથી નોટિસની બજવણી થઈ શકતી નથી. કેટલાંક ધાર્મિક સ્થાનો એવા છે જે રેકોર્ડ પર ટ્રસ્ટ સંચાલિત જગ્યાઓ તરીકે કાર્યરત છે. આ પ્રકારના ધાર્મિક સ્થાનોને નોટિસ બજવણી થઈ શકી છે. હવે સંબંધિત ટ્રસ્ટ કે સંચાલકો આ નોટિસનો જવાબ આપશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પૈકી જે ધાર્મિક જગ્યાઓ બિનવારસુ સ્થિતિમાં છે ત્યાં અથવા રેકોર્ડ પર કોઈ સંચાલક કે કબજેદાર નથી, તે સ્થાનોની જગ્યાઓ અંગે સ્વાભાવિક રીતે જ પુરાવાઓ ઉપલબ્ધ ન હોય, આવા ધાર્મિક સ્થાનો આથી દબાણો સાબિત થઈ જશે. અને એમનો સફાયો સૌ પ્રથમ કરી શકાશે. આ ઉપરાંત જે જગ્યાઓ માટે કોઈ દ્વારા નોટિસનો જવાબ આપવામાં આવશે, તે જવાબ અને જગ્યાઓ અંગેના પુરાવાઓ તંત્ર દ્વારા તપાસવામાં આવશે અને ત્યારબાદ તે ધાર્મિક સ્થાન અંગે નિર્ણયની પ્રક્રિયાઓ આગળ વધારી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં પણ આવા 300 જેટલાં ધાર્મિક સ્થાનોને કોર્પોરેશન દ્વારા આ અગાઉ નોટિસ આપવામાં આવેલી છે જ, જેના જવાબો મેળવવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે, શહેર અને જિલ્લામાં એક વખત આ બધી કાગળ પરની પ્રક્રિયાઓ પૂર્ણ થશે ત્યારબાદ, સ્થળ પરની કામગીરીઓ શરૂ થશે.