Mysamachar.in-જામનગર:
સરકારમાં વિવિધ વિભાગોમાં નિયમો હોય છે, જુદાં જુદાં ધંધાર્થીઓએ કેટલાંક નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ નિયમોના પાલન માટે જવાબદાર તંત્રો પોતાની ફરજો બજાવતા ન હોય, વિવિધ ક્ષેત્રોમાં લાલિયાવાડીઓ ચાલતી રહેતી હોય છે, પેટ્રોલપંપ પણ આવું એક સ્થળ છે જ્યાં જિલ્લાનું પૂરવઠા તંત્ર તથા તોલમાપ વિભાગ દ્વારા ભાગ્યે જ ચકાસણીઓ થતી હોય છે. કોઈ પણ ધંધાર્થીએ પેટ્રોલપંપ શરૂ કરવો હોય, તેણે કેટલીક શરતોનું પાલન કરવાનું હોય છે. આ શરતોના ભંગ બદલ તંત્ર તેની સામે પગલાંઓ પણ લઈ શકે. પરંતુ ખાસ કરીને જામનગરમાં આ બાબતોમાં ધંધાર્થીઓને શાંતિ હોય છે, કેમ કે તંત્રો એક્ટિવ હોય એવું જોવા મળતું નથી. અને, લોકો તરફથી થતી ફરિયાદો પર પણ કોઈ ધ્યાન આપતું નથી.
દરેક પેટ્રોલપંપ પર વાહનોમાં હવા ભરી આપવાની વિનામૂલ્યે સુવિધા ફરજિયાત હોય છે. આ ઉપરાંત દરેક પેટ્રોલપંપ પર પીવાના પાણીની સુવિધાઓ રાખવાની હોય છે. લેડીઝ અને જેન્ટ્સ માટે ટોયલેટ અને બાથરૂમની સુવિધાઓ પણ ફરજિયાત હોય છે. આ બધી જ શરતોનું દરેક પેટ્રોલપંપ ધારકે ફરજિયાત પાલન કરવાનું હોય છે પરંતુ કોઈ કોઈ પેટ્રોલપંપને બાદ કરતાં ભાગ્યે જ કોઈ પેટ્રોલપંપ પર આ પ્રકારની સુવિધાઓ વાહનચાલકોને મળતી હોય છે, આમ છતાં શરતોના ભંગ બદલ આ ધંધાર્થીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલાંઓ લેવામાં આવતાં હોતા નથી. આ ઉપરાંત પેટ્રોલપંપ પર માપમાં ઘાલમેલ તથા પેટ્રોલ ડિઝલની શુદ્ધતા, તાપમાન અંગે પણ તંત્ર મોટેભાગે ઉદાસીન જોવા મળતાં હોય છે, જેને કારણે ધંધાર્થીઓને લાલિયાવાડીઓ ચલાવવા મોકળું મેદાન મળી જતું હોય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ સંદર્ભે તપાસ અને કાર્યવાહીઓ થતી રહેતી હોય છે, જામનગર શહેર અને જિલ્લાના પેટ્રોલપંપ ધંધાર્થીઓને ઘણી રાહત હોવાની સ્થિતિ જોવા મળે છે.(file image source:google)