Mysamachar.in-રાજકોટ:
જે લોકોની યાદશક્તિ સારી છે તેમને પણ હવે એ યાદ નહીં હોય કે, રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગનું કામ કેટલાં વર્ષથી ચાલી રહ્યું છે, આ કામ પૂર્ણ થવાની ઘડી જ નથી આવતી. આ કામને પાંચ પાંચ વખત મુદ્દત વધારી આપવામાં આવ્યા બાદ પણ હજુ આજની તારીખે કામ ચાલી રહ્યું છે અને આ વર્ષે પણ કામ પૂર્ણ થઈ જાય એવી કોઈ શકયતાઓ દેખાતી નથી. જો કે બીજી તરફ દાવો એવો છે કે, મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.
રાજકોટ-અમદાવાદ સિકસલેન ધોરીમાર્ગ (જામનગર-નાગપુર નેશનલ હાઈવે નં. 47)ના કામની સૈદ્ધાંતિક મંજૂરી 2015માં આપવામાં આવેલી, ત્યારબાદ 2016માં વહીવટી મંજૂરી આપવામાં આવી. 2017ના ઓક્ટોબરમાં વડાપ્રધાને કામનું ખાતમુહૂર્ત કર્યું. 2018ના જાન્યુઆરીમાં કામની શરૂઆત થઈ. આજની તારીખે રાજકોટ-અમદાવાદ વચ્ચેની સિકસલેનની કામગીરીઓ પૂર્ણ થઈ નથી.
આ પ્રોજેક્ટ રૂ. 3,350 કરોડનો છે. ગુજરાત અને રાજસ્થાનની બે અલગઅલગ પાર્ટીને આ કામ આપવામાં આવ્યું છે. આ કામની ડેડલાઈન સરકારે પાંચ પાંચ વખત વધારી આપી છે છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ અનેકવખત રજૂઆત અને ફરિયાદો પણ થઈ છે. જો કે આમ છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કયારેય, કોઈ દંડનીય કાર્યવાહીઓ થઈ નથી.
કામ શરૂ થયાને 6 વર્ષ વીતી ગયા બાદ પણ, આ કામના 6 મોટા બ્રિજ પૈકી 2 મોટા બ્રિજના કામો હજુ થયા નથી. આમ છતાં, એવો દાવો કરવામાં આવે છે કે, 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં હજુ 7 કિમી જેટલો ડામરરોડ પણ બાકી છે. 47 નંબરનો આ નેશનલ હાઈવે જામનગર-ઈન્દોર અને નાગપુરને સીધાં જોડી દેશે.
2018માં એવો દાવો થતો હતો કે, 2020માં કામ પૂર્ણ થઈ જશે. આજે પણ કામ ચાલુ છે. બાદમાં, વિધાનસભામાં સરકારે એવું પણ જાહેર કરેલું કે, માર્ચ-2024માં કામ પૂર્ણ થઈ જશે. હકીકત એ છે કે, ડિસેમ્બર-2024માં પણ કામ પૂર્ણ થશે નહીં. રાજકોટ-અમદાવાદ સિકસલેન ધોરીમાર્ગની લંબાઈ 201 કિમી છે.
આ કામના ફેઝ-ટુ અંતર્ગત હાલ સનાથલ બ્રિજ અને હીરાસર એરપોર્ટ નજીક ટ્રમ્પેટની કામગીરીઓ ચાલી રહી છે. સનાથલ નજીક રૂ. 252 કરોડના ખર્ચે અને હીરાસર નજીક રૂ. 52 કરોડના ખર્ચથી આ કામગીરીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ કુવાડવા નજીક આ પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ડિઝાઇન સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે. આ હાઈવે પર ઠેરઠેર ડાઈવર્ઝન અને ટ્રાફિક જામ જોવા મળે છે જેથી દરરોજ હજારો વાહનચાલકોએ હાલાકીઓ વેઠવી પડી રહી છે. (file image source: google)