Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં સતત એવો પ્રચાર કરવામાં આવે છે કે, આપણે ટીબીના રોગ અંગે ખૂબ જ સંવેદનશીલ અને જાગૃત છીએ અને દર્દીઓની ખૂબ જ કેર લેવામાં આવે છે. પરંતુ લોકસભામાં રજૂ થયેલાં આંકડા સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારના આંકડા કહે છે: 2019થી અત્યાર સુધીમાં ગુજરાતમાં ટીબીના રોગને કારણે 34,384 લોકોના મોત થયા. દેશભરમાં ટીબી રોગ સંબંધે જે ચિંતાપ્રેરક સ્થિતિ છે તેમાં ગુજરાત ત્રીજો ક્રમ ધરાવે છે. ટૂંકમાં, સ્થિતિ ગંભીર છે. દર વર્ષે 6,000ની આસપાસની સંખ્યામાં દર્દીઓ મોતને ભેટે છે. મહિલાઓ અને બાળકોના મોતના આંકડાઓ પણ મોટા છે. એટલે કે આ ક્ષયરોગ આજે પણ મહારોગ છે, જેને આપણે નાથી શક્યા નથી.
ગુજરાતમાં દોઢ લાખથી વધુ ટીબી દર્દીઓ સરકારના ચોપડે નોંધાયેલા છે જે પૈકી 76 ટકા લોકોના ફેફસાં ક્ષતિગ્રસ્ત છે. આ ચેપી રોગ છે. તબીબો અને લેબોરેટરીઓના સ્ટાફ પર પણ ચેપનું જોખમ રહે છે. ઘણાં લોકોને ફેફસાં ઉપરાંત કરોડરજ્જુ અને મગજમાં પણ ટીબી રોગ થતો હોય છે. તપાસ દરમિયાન મોટેભાગે એક્સ રે દ્વારા રોગની હાજરી જણાઈ આવતી હોય છે. પુરૂષોની માફક હજારો મહિલાઓ અને બાળકો પણ આ રોગને કારણે મોતનો શિકાર બની રહ્યા છે.(Symbolic image source;google)