Mysamachar.in-રાજકોટ:
રાજકોટ અગ્નિકાંડના કેસને મજબૂત બનાવવા SIT દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌ જાણે છે કે, ઘણાં બધાં કેસોમાં જુબાની આપનારા સાક્ષીઓ છેવટે ફરી જતાં હોય છે, હોસ્ટાઈલ જાહેર થતાં હોય છે. જેને કારણે આરોપીઓ બચી પણ જતાં હોય છે અને કેસ લૂલો બની જતો હોય છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં આમ ન બને તેની તકેદારી લેવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.
આ મામલામાં કુલ 15 આરોપીઓ છે. 37 મહત્વના સાક્ષીઓની જુબાનીઓ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવી છે. આ પ્રોસેસ CrPCની કલમ 164 હેઠળ થતી હોય છે. અને, તેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. આ સાક્ષીઓ હવે પોતાની જુબાનીઓ ફેરવી શકશે નહીં, સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ શકશે નહીં. તેથી કેસ મજબૂત બની ગયો છે.જે 37 મહત્વપૂર્ણ સાક્ષીઓની જુબાનીઓ આ રીતે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવી છે, તેમાં અગ્નિકાંડમાંથી બચી ગયેલાં 3 લોકો, કોર્પોરેશનના કર્મચારીઓ, મૃતકોના 27 પરિવારજનો અને આ કાંડને નજરે જોનારા સાક્ષીઓનો સમાવેશ થાય છે.
આ 37 પૈકીનો એક સાક્ષી એવો છે જે ગેમઝોનમાં બનાવ પૂર્વે વેલ્ડિંગ કામ કરી રહ્યો હતો. આ વેલ્ડિંગના તણખાથી જ આગ લાગી હતી. આ વેલ્ડર કહે છે: મેં કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડને એક કરતાં વધુ વખત કહેલું કે, અહીં વેલ્ડિંગ કામ ન કરવું જોઈએ. પરંતુ કોન્ટ્રાક્ટરે મને કામ કરવા દમદાટી પણ આપી હતી. વેલ્ડરની જુબાનીનો આ અંશ રાજકોટ DCP(ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલે જાહેર કર્યો છે. ગોહિલ SITની આ તપાસ રાજકોટ પોલીસ વતી સંભાળી રહ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ કેસ અદાલતમાં ચાલશે ત્યારે જો કોઈ સાક્ષી કે સાક્ષીઓ પોતાની જુબાનીઓ ફેરવી તોળશે તો પણ, એવા સંજોગોમાં હાલમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જે જુબાનીઓ નોંધવામાં આવી છે તે જુબાનીઓ અદાલત પુરાવાઓ તરીકે ધ્યાનમાં લેશે. આ અદાલતી કાર્યવાહીઓ દરમિયાન કુલ 365 સાક્ષીઓને તપાસવામાં આવશે.
આ કેસમાં અત્યાર સુધીમાં ગેમઝોનના ભાગીદારો, કોર્પોરેશનના ફાયર બ્રિગેડ સહિતના અધિકારીઓની ધરપકડો થઈ ચૂકી છે. ગેમઝોનનું સંચાલન બે પેઢીઓ- રેસવે એન્ટરપ્રાઈઝ અને ધવલ કોર્પોરેશન દ્વારા થતું હતું. આ બે કંપનીઓ વચ્ચેનો ભાગીદારી કરાર હાલ પોલીસ કબજામાં છે. અને, આ બે કંપનીઓએ ગેમઝોન સંચાલન માટે જે નાણાંકીય વ્યવહારો કરેલાં છે તેની સંપૂર્ણ વિગતો પણ પોલીસના કબજામાં છે અને આ બધી જ બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે.