Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે આગાહી કરેલી કે, ગુજરાત પર વરસાદની એક સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થઈ હોય, સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં, અથવા આ બંને પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી મહદ્અંશે સાચી પડી છે, દક્ષિણ ગુજરાતના ઉમરપાડા અને સૌરાષ્ટ્રના પોરબંદર તથા દ્વારકા જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થયા છે, પાછલાં 24 કલાકમાં યાત્રાધામ દ્વારકામાં 15 ઈંચ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન યાત્રાધામ દ્વારકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં સાડા છ ઈંચથી વધુ અને ખંભાળિયામાં 5 ઈંચ જેટલો તથા ભાણવડમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દ્વારકાથી મળતો અહેવાલ જણાવે છે, ભારે અને ઓછાં કલાકોમાં વધુ વરસાદ ત્રાટકતાં દ્વારકાનું જનજીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં NDRFની ટીમે બે વ્યક્તિઓને બચાવી હતી. ભાણવડના મોટાભાગના ડેમોમાં ચિક્કાર પાણીની આવક હોય તંત્રએ નદીના પટ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર બંધ રાખવા લોકોને ચેતવણી આપી છે.
આ ઉપરાંત દ્વારકા તાલુકાના 8 ડેમોમાં પાણીની આવક ચિક્કાર થઈ છે. મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે અથવા છલી જવાની તૈયારીમાં છે. દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર હસ્તકના 3 રસ્તાઓ અને પંચાયત હસ્તકના 7 રસ્તાઓ પાણીના પ્રવાહને કારણે હાલ બંધ હોવાનું કલેક્ટર જી.ટી.પંડ્યા જણાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વાહનવ્યવહાર બંધ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
બીજી તરફ જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ વધુ એક રાઉન્ડ દરમિયાન સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસાવ્યો છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. ધ્રોલ અને જોડિયામાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો, જ્યારે જામનગર, જામજોધપુર અને લાલપુરમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ 24 કલાક દરમિયાન જામનગરમાં સવા ઈંચ વરસાદ, જોડિયામાં 2 ઈંચથી સહેજ વધુ, ધ્રોલમાં માત્ર હળવા ઝાપટાં, લાલપુરમાં દોઢ ઈંચ જેટલો અને જામજોધપુરમાં વધુ એક ઈંચ જેટલો વરસાદ આ 24 કલાકમાં નોંધાયો.
આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં, આ 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ધ્રાફામાં સવા ત્રણ ઈંચ જેટલો, પીપરટોડા, મોડપર અને હરિપરમાં અઢી પોણાં ત્રણ ઈંચ જેટલો, જામવંથલી, મોટી ભલસાણ, ભલસાણ બેરાજામાં 2 ઈંચથી વધુ અને વસઈ, લાખાબાવળ, મોટી બાણુંગાર, ફલ્લા, અલિયાબાડા, દરેડ, હડિયાણા, બાલંભા, પીઠડ, જાલિયાદેવાણી, ખરેડી,નવાગામ, મોટા પાંચ દેવડા, સમાણા, જામવાડી, પરડવા, ધુનડા તથા પડાણા સહિતના મથકો અને પંથકોમાં હળવા વરસાદથી માંડીને દોઢ બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ઉપરાંત આજે સવારે મળેલાં અહેવાલ પ્રમાણે, સવારે 6 થી 8 દરમિયાન દ્વારકામાં એક ઈંચથી સહેજ ઓછો અને 8 થી 10 વાગ્યા સુધીમાં વધુ પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતાં, આજે સવારે 10 વાગ્યે પૂર્ણ થયેલાં 28 કલાક દરમિયાન દ્વારકા શહેરમાં કુલ 19 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં, દરિયાકિનારે વસેલું નાનું એવું દ્વારકા શહેર જાણે કે મિની દરિયો બની ગયું હોય એમ સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળે છે.