Mysamachar.in-કચ્છ:
કચ્છડો બારેમાસ કહેવાય છે. જાણકારોના કહેવા મુજબ, કચ્છમાં અમુક ધંધા બારમાસી છે. ગાંધીનગરમાં કોઈ પણ શાસન હોય. છેલ્લા કેટલાંક દિવસોથી ‘હીરો’ યુવરાજસિંહ અને હિરોઈન નીતાને ચમકાવતી ‘પોલીસ-બુટલેગર’ નામની ફિલ્મ કચ્છમાં ભજવાઈ રહી છે. કચ્છ પોલીસ ઓડિયન્સમાં બેઠી બેઠી મજા લઈ રહી છે. નીતાએ કચ્છ પોલીસનું નાક કાપીને તેના હાથમાં આપી દીધું. ખુદ ગાંધીનગર પણ અચંબિત છે, નીતાની આ હિંમત ?! આખરે આ ફિલ્મમાં સરકારે જેમ્સ બોન્ડની સ્ટાઇલથી ગુજરાત ATS ની એન્ટ્રી કરાવી, આતંકીઓને ઝડપી લેવા જાણીતાં ATS એ ગામડાં ખુંદી ‘ભાગેડુ’ નીતાને પાતાળમાંથી શોધી કાઢી. 15-15 દિવસથી કચ્છ પોલીસ નીતા વિષે અજાણ રહી, પોલીસની આવડત અને ત્રેવડની મજાક ઉડતી રહી. આખરે ATS એ નીતાને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નજીકના એક ગામડાંમાંથી શોધી કાઢી, કચ્છ પોલીસનું કપાયેલું નાક પ્લાસ્ટિક સર્જરીથી ફરી ચોંટાડયું.
નીતા અભિનીત આ ફિલ્મ ઘણાં દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ‘હીટ’ છે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર નીતા નીતા થઈ રહ્યું છે. વાચકોને યાદ હશે, નીતા લેડી પોલીસ કોન્સ્ટેબલ છે. ગુજરાત પોલીસ પાસે આવા ઘણાં સિતારા અને તારિકા છે. નીતા પ્રકરણમાં માત્ર કચ્છ પોલીસનું જ નાક નથી કપાયું- રાજ્યના ગૃહવિભાગ અંગે જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે.
થોડાં સમય અગાઉ નંબર પ્લેટ વિનાની એક સફેદ થારમાં નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ કયાંકથી આવી રહ્યા હતાં, ક્યાંક જઈ રહ્યા હતાં. આ વાહનમાં શરાબનો જથ્થો હતો. પોલીસે બાતમીના આધારે આ થાર રોકવા પ્રયાસ કરેલો, થારના ચાલકે થાર પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો. પોલીસે થારમાં બેઠેલી નીતા ચૌધરી તથા યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસની હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ બધી વિગતો જાહેર કરી.
બાદમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર નીતા નીતા થતું રહ્યું. દરમિયાન, નીતાની જામીન અરજી નામંજૂર થઈ. અને, હોંશિયાર નીતા અદ્રશ્ય થઈ ગઈ. કચ્છ પોલીસ દિવસો સુધી નીતાને શોધતી રહી, નીતા કયાંય ન મળી. સરકારને ફીલ થયું કે, બુટલેગરની સાથીદાર એવી એક લેડી કોન્સ્ટેબલ સૌનું નાક કાપી ચૂકી છે. બાદમાં, આ પ્રકરણમાં ATS ની એન્ટ્રી થઈ. નીતા નાનકડા ગામડાંમાંથી મળી આવી- એવું જાહેર થયું. સાથે એ પણ જાહેર થયું કે, નીતા જેની ‘બેનપણી’ છે એ કુખ્યાત બુટલેગરના સાસરાના પક્ષના કોઈ સંબંધી આ ટચૂકડા ગામડાંમાં રહે છે, જયાં નીતા મળી આવી. ભાગેડુ આરોપીને ‘આશરો’ આપવો કાયદાની ભાષામાં ‘ગુનો’ કહેવાય છે. આ ગુનેગાર કોણ ? એ પ્રશ્ન પણ ચર્ચાઓમાં છે. નીતા અભિનીત આ ફિલ્મ હજુ ઘણાં સપ્તાહો અથવા મહિનાઓ અથવા વર્ષો સુધી હીટ ચાલતી રહેશે ??!