Mysamachar.in-ગાંધીનગર:
સરકાર ઈચ્છે છે કે, રાજ્યભરમાં ગ્રામ્ય સ્તરે લોકોને શું સુવિધાઓ ઉપલબ્ધ છે, અથવા લોકો કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેનું વાસ્તવિક ચિત્ર ગાંધીનગર સુધી પહોંચે તે આવશ્યક છે. સરકાર ચાહે છે કે, લોકોની તકલીફોનો ઝડપથી અંત આવે. આ માટે સરકારે રાજ્યભરમાં ઉચ્ચ અધિકારીઓને ગામડે ગામડે મોકલ્યા અને સાચી સ્થિતિનો ચિતાર મેળવવા પ્રયાસ કર્યો. પરંતુ હવે આ મામલો પેચીદો બની ગયો છે.
રાજ્યભરમાં તમામ કલેક્ટર અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આ અભિયાન અંતર્ગત સરકારે પોતાના જિલ્લાના એક એક ગામની મુલાકાત લેવા જણાવાયું હતું. બાદમાં આ ઉચ્ચ અધિકારીઓએ ગામોની મુલાકાત લીધી. મુલાકાત સમયે ગ્રામજનોએ સંખ્યાબંધ ફરિયાદોનો મારો ચલાવ્યો. હવે અધિકારીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા. સરકારમાં આ સમીક્ષાનો રિપોર્ટ કેવી રીતે મોકલવો ?!
જો અધિકારીઓ સાચો સમીક્ષા રિપોર્ટ મોકલે તો પોતાના જ જિલ્લાની અને આડકતરી રીતે સરકારની નાકામીઓ સત્તાવાર રીતે જાહેર થઈ જાય. અને, આ રિપોર્ટથી સરકારને અકળામણ થાય, તો ?! રિપોર્ટ મોકલી દીધાં બાદ સરકારમાંથી કોઈ કડક પગલાંઓ આવી પડે તો ?અને, ધારો કે રિપોર્ટ ‘મોળો’ કરીને મોકલવામાં આવે અને પછી હકીકતો બીજી કોઈ રીતે બહાર આવી જાય, તો ? કેટલી ફજેતી થાય ? આવા સંજોગોમાં સરકારના પ્રત્યાઘાત કેવા હોય ? એ પ્રશ્ન પણ અધિકારીઓને મૂંઝવી રહ્યો છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, રાજયભરમાં આ ઉચ્ચ અધિકારીઓએ ગામોની મુલાકાત લીધી તો જાણવા મળેલ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના નામે મીંડુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફરિયાદોનો અંબાર છે એવું જાણમાં આવતાં અધિકારીઓ આંટો લગાવી પરત જિલ્લામથકોએ આવતાં રહ્યા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં IAS ધવલ પટેલે સરકારમાં રિપોર્ટ કરેલો કે, ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં ભણતાં બાળકોને કક્કો પણ આવડતો નથી. આ રિપોર્ટને કારણે સરકારની આકરી ટીકાઓ થતાં આ અધિકારી હીટ લિસ્ટમાં મૂકાઈ ગયા. આ સ્થિતિમાં કોણ સાચું બોલે ? શા માટે સાચું બોલે ? આ પ્રકારની પરિસ્થિતિઓ હોય, રાજ્યભરમાં ઉચ્ચ અધિકારીઓ આ સમીક્ષા રિપોર્ટ મુદ્દે ભારે ચિંતિત હોવાનું જાણવા મળે છે.(symbolic image source:google)