Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં લોકો ગંભીર મજાકમાં એમ કહે છે કે, અંધેર બધે જ છે પરંતુ સહુથી વધુ શિક્ષણ ક્ષેત્રમાં. રાજ્યમાં સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ છે અને ખાનગી શાળાઓમાં ફી કેટલી હોવી જોઈએ, એ નક્કી કરવા FRC પણ છે. પરંતુ લાખો વાલીઓને સંતાનોની ઉંચી શિક્ષણ ફી ભરવામાં મજા આવે છે, અને સરકાર અન્ય કામોમાં વ્યસ્ત હોય, ખાનગી શાળાઓના સંચાલકો નિયમોની પેલે પાર જઈને કરોડો રૂપિયાની ફી ઉસેડી રહ્યા છે. કારણ કે, રાજ્યમાં કયાંય પણ સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટથી કોઈ ડરતું નથી. કોઈને સજા થતી નથી અને FRC પણ આ એક્ટ માફક જ ‘લઘરવઘર’ હાલતમાં છે.
રાજ્યના બધાં જ ઝોનમાં FRC નામની આ સંસ્થાને પાટીયા સંસ્થા બનાવી દેવામાં આવી છે. અને, FRC માં બેસીને શું શું કરી શકાય ? એ પ્રશ્નનો જવાબ દરેક ગુજરાતીઓ સમજતાં જ હોય છે. રાજકોટ અને અમદાવાદ ઝોન સહિતની FRC કમિટીઓમાં ચેરમેન જજ નથી, સભ્યો નથી અથવા અમુક કમિટીમાં સભ્યોની મુદ્દત પૂર્ણ થવા છતાં નવી નિયુક્તિઓ માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી નથી. અને આ આખી વ્યવસ્થાઓમાં ‘ઉઘરાણાં’ પણ થતાં હોવાની એક વાત સાથેસાથે ચર્ચાઓમાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીઓ સમયે જામનગર સહિત સમગ્ર રાજયમાં ઠેકઠેકાણે મોટાં હોર્ડિંગ લોકોએ વાંચેલા. જેમાં એ મતલબનું લખાણ હતું કે, વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતાઓ કરવામાં આવી રહી છે. વાલીઓના હિત માટે ખાનગી શાળાઓની ફી નિયંત્રિત કરવા શાસને બહુ મોટો નિર્ણય લીધો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, 2017 અને 2024ની વચ્ચે એક પણ ખાનગી શાળા નાણાંના અભાવે બંધ થઈ નથી અને આ સમયગાળા દરમિયાન સેંકડો નવી ખાનગી શાળાઓ શરૂ થઈ છે.
FRC કાગળો ચિતરે છે. જિલ્લાઓનાં શિક્ષણ તંત્રો ટગરટગર બધું જ જોઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, વાલીઓ અન્ય કામોમાં વ્યસ્ત છે, કયાંય, કોઈ હોર્ડિંગમાં શિક્ષણ અંગેની ચિંતાઓ વ્યક્ત થતી નથી, સર્વત્ર લીલાલહેર છે. અને, સાથેસાથે એવા નવા નિર્ણય પણ સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે કે, સરકારી શાળાઓ છોડી, વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં જાય- સરકાર આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે. બધું જ સરસ રીતે આગળ વધી રહ્યું છે. કયાંય કોઈ આંદોલન નથી, ઉકળાટ નથી, અસંતોષ નથી. વાલીમંડળ શબ્દ ઘણાં સમયથી ચલણની બહાર જતો રહ્યો છે.(symbolic image source:google)