Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના એક અધિકારીને ધમકી અને ખંડણી આપવાના નોંધાયેલ ચકચારી ફરિયાદ પ્રકરણમાં આજે ત્રણ માસ બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, અને જુનો થયેલ આ વિષય ફરી તાજો બની ગયો છે.
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પોતાને બહુ મોટા બાહુબલી સમજી બેઠેલા કેટલાક તત્વો માથું ઊંચકી રહ્યા છે, કેટલાક કોર્પોરેટરો, કોર્પોરેટર પતિઓ અને પૂર્વ કોર્પોરેટરો તો કેટલાક RTIનું બેટ અને અરજીઓનો દડો લઈને ફરનાર તત્વો પોતાના ના થઇ શકે તેવા કામો માટે કેટલાક અધિકારીઓને અવારનવાર દબાણો કરે દબડાવે ધમકાવે છે અને જો અધિકારીઓ તાબે ના થાય તો તેને ગાળો ભાંડવી હુમલાઓની ધમકીઓ આપવા જેવી બાબતોમાં કુખ્યાત બની રહ્યા છે. જેમાં અમુક મામલાઓ દબાઈ જાય છે જયારે અમુક સામે આવે છે.
એવામાં ગત માર્ચ માસમાં જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની મનપાના બીજા મજલે આવેલ ચેમ્બરમાં બેસે છે ત્યાં કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7 ની ઇમ્પેકટ ફી ની ફાઇલ ક્લીયર કરી આપવાની ધાક-ધમકી આપી કહેલ કે હુ પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે તમારે મહાનગર પાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો (ખંડણી) આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઇ જઇ સીટી ઈજનેર ભાવેશ જાનીના શર્ટનો કાઠલો પકડી કહેલ કે હારૂન પલેજાના ખુન થયેલ છે તેમ તમારૂ ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોશીટીના કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકીઓ આપી ગાળો ભુંડા બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશીશ કરી ફરિયાદી જામનગર મનપાના સીટી ઈજનેરની કાયદેસરની ફરજ દરમ્યાન વ્યથા કર્યા અંગે કલમ 387, 332, 504, 506(2), સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયાને દિવસો નહિ મહિનાઓ વીતી ચુક્યા બાદ લાંબા સમય સુધી પોલીસને પૂર્વ કોર્પોરેટર ના મળ્યા બાદ અંતે 3 માસ બાદ હાથમાં આવી ચુક્યા….!!! ત્યારે જામનગર મનપા વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલુ થઇ છે કે આ મામલામાં વિપક્ષના એક સભ્ય સહિતના અન્ય એક ઇસમની જહેમતને ભાગ સ્વરૂપ ધમકી આપનાર પૂર્વ કોર્પોરેટરને પોલીસ સ્ટેશન હાજર કરાવવામાં આવ્યા તેવી ચર્ચાઓ મનપા વર્તુળોમાં થઇ રહી છે.
જો કે પોલીસ ગુન્હાની ગંભીરતાને જોતા હવે આ મામલે કડક હાથે કામ લેશે અને રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહીઓ કરશે પણ સાથે વાત એવી પણ છે કે એક તો જામનગર મહાનગરપાલિકા પાસે પૂરતા અધિકારીઓ અને કર્મચારીઓ છે નહિ અને તેવામાં આ રીતે ધમકીઓ અને હુમલાઓની ઘટનાઓ બનતી રહેશે તો તો અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ તૂટી જશે મનપાના શાશકોએ પણ આ બાબતે આળસ ખંખેરી અને અધિકારીઓ અને કર્મચારીઓના પક્ષે રહી અને તેને ન્યાય મળે તેવા પ્રયાસો કરવા જોઈએ.કારણ કે મનપાના હાથ પગ તો અધિકારીઓ અને કર્મચારીઓ જ છે.(file image)