Mysamachar.in-અમદાવાદ:
ખાદ્ય પદાર્થોના પેકેટ પર પદાર્થની ગુણવત્તા અને જેતે ખાદ્ય પદાર્થની અંદર રહેલાં તત્વોની ગ્રાહકને જાણકારીઓ આપવાના મુદ્દે ઘણાં પ્રકારની છેતરપિંડીઓ થતી હોય છે, ઘણી વખત કંપનીઓ દ્વારા થતાં દાવાઓ બોગસ પણ હોય છે અને ઘણાં કિસ્સાઓમાં ખાદ્ય પદાર્થની અંદર રહેલાં પોષક તત્વોની જાણકારીઓ શંકાસ્પદ હોવાને કારણે અત્યંત ઝીણાં અક્ષરે છાપવામાં આવતી હોય છે. બીજી તરફ દેશમાં બિનચેપી રોગોનું પ્રમાણ આ પ્રકારના ખાદ્ય પદાર્થોને કારણે વધી રહ્યું છે. આથી સરકારે લેબલિંગના નિયમોમાં કેટલાંક ફેરફાર જાહેર કર્યા છે.
કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હસ્તકની કેન્દ્રીય એજન્સી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ખાદ્ય પદાર્થોના પેકેટ પર કઈ પ્રોડક્ટમાં કે કઈ ચીજવસ્તુમાં મીઠું, ખાંડ અથવા ફેટ વગેરેનું કેટલું પ્રમાણ છે તે મોટાં અને બોલ્ડ અક્ષરોમાં દર્શાવવાનું રહેશે.
આ માટે મંત્રાલયે લેબલિંગ અંગેના નિયમોમાં ફેરફારની દરખાસ્તને મંજૂરી આપી છે. વપરાશકાર ગ્રાહકો તમામ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ અથવા ફૂડ પ્રોડક્ટ્સમાં રહેલાં તત્વોનું પોષણ મૂલ્ય સમજે અને ક્યા પદાર્થમાં કેટલું પોષણ મૂલ્ય છે તેની જાણકારીઓ સૌને ઉપલબ્ધ થઈ શકે તે માટે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી આ દરખાસ્તમાં કહેવાયું છે કે, દરેક ખાદ્ય ચીજવસ્તુઓના પેકેટ પર તેમાં મીઠું, ખાંડ અને ફેટનું પ્રમાણ કેટલું છે તેની વિગતો મોટાં અને બોલ્ડ અક્ષરોમાં દર્શાવવાની રહેશે. કોઈ પણ ખાદ્ય પદાર્થ સર્વ કરવામાં આવે ત્યારે પ્રત્યેક રેકમેન્ડેડ ડાયેટરી અલાવન્સની ટકાવારીને લગતી માહિતીઓ મોટાં અને બોલ્ડ અક્ષરોમાં છાપવાની રહેશે.
ફૂડ ઓથોરિટીની 44મી બેઠકમાં આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. નિયમ 2(v) અને 5(3)માં ખાદ્ય પદાર્થની સર્વિંગ સાઈઝ અને પોષણ મૂલ્યની માહિતીઓ દર્શાવવા કહેવામાં આવ્યું છે. આ પ્રકારના તત્વોનો ખાવામાં ઓછો ઉપયોગ કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે, આવા તત્વો ડાયાબીટીસ અને સ્થૂળતા જેવા બિનચેપી રોગો મોટા પ્રમાણમાં ફેલાવી શકે છે. ઘણાં પેકેટ પર લોકોને ગેરમાર્ગે દોરતાં લખાણો લખવામાં આવે છે. આ ગેરરીતિઓ રોકી શકાશે. દા.ત. હેલ્થ ડ્રીંકસના પેકેટ પર 100 ટકા ફ્રૂટ જ્યુસ એવું લખીને વપરાશકારને ગેરમાર્ગે દોરવામાં આવે છે, આ પ્રકારની ગંભીર ગેરરીતિઓ આ નિયમોમાં ફેરફારથી રોકી શકાશે.(image source:google)