Mysamachar.in-ગાંધીનગર:
સામાન્ય રીતે સરકારમાં વર્ષો સુધી એવું જોવા મળેલ કે, ‘દાગી’ અધિકારીઓ વિરુદ્ધ વર્ષો સુધી તપાસ થતી રહે પરંતુ તેમના દબદબા કે નોકરીને આંચ ન આવે. અને મોટાભાગના કિસ્સાઓમાં તો, આવા અધિકારીઓ નિવૃત થઈ જાય ત્યાં સુધી એમનો વાળ પણ વાંકો ન થાય. પરંતુ હવે પવન ફરી ગયો છે, સરકાર આ બાબતે એક્શન મોડમાં હોવાનું દેખાઈ રહ્યું છે. ફટાફટ આવા અધિકારીઓને ઘરે બેસવાના હુકમો પકડાવવામાં આવી રહ્યા છે. પાછલાં માત્ર 48 કલાકમાં આવા અડધો ડઝન અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર બેફામ વધી ચૂક્યો છે. નાનામોટાં અધિકારીઓ તેમાં ગળાડૂબ હોય છે. સચિવાલયમાં ઘણાં સમયથી ગણગણાટ હતો કે, આવા અધિકારીઓને અંકુશમાં લેવા જોઈએ. પરંતુ ઘણાં સમયથી સરકાર આ બાબતે મૌન હતી. હવે સરકાર એકશન મોડમાં છે. જે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદો થઈ હોય, તપાસો ચાલી રહી હોય, ઘણાં પુરાવાઓ સામે આવ્યા હોય અથવા ખાતાંકીય બાબતોમાં જે અધિકારીઓ નિયમો ચાતરી ગયા હોય, તે તમામની જાણે કે યાદી બનાવવામાં આવી હોય તેમ એક પછી એક આવા દાગી અધિકારીઓને કાયમ માટે ઘરે બેસાડી દેવાના હુકમો થઈ રહ્યા છે.
થોડાં દિવસ અગાઉ નર્મદા નિગમના અધિકારી જે.જે.પંડ્યા તથા સહકાર વિભાગના ઉચ્ચ અધિકારી મનોજ લોખંડેને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યા બાદ, સરકારે રાજ્યના વેટ વિભાગના બે નાયબ કમિશનરો ડીપી નેતા અને સંજય એચ.ગાંધીને નોકરીમાંથી છૂટાં કરી દીધાં છે. આ ઉપરાંત GAS કેડરના અધિકારી સંજય પંડ્યાને પણ ઘરે બેસાડી દેવાયા છે.
આ સાથે જ રાજ્યના પોલીસવડાએ 3 PI ને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. આ ઈન્સ્પેક્ટરોના નામો: એફ એમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલ છે. આ ત્રણેય વિરુદ્ધ લાંચ રૂશવત વિરોધી શાખા દ્વારા કેસ ચલાવવામાં આવી રહ્યા હતાં. આમ સરકારે, ગણતરીના જ દિવસોમાં વારાફરતી 8 દાગી અધિકારીઓને નોકરીમાંથી દૂર કર્યા છે અને આ અભિયાન હજુ આગળ પણ ચાલશે એવા અહેવાલોને કારણે પોતાને’લોર્ડ’ સમજતાં ઘણાં અધિકારીઓ તપેલાં ચડી જવાની બીકે ફફડી રહ્યા છે.