Mysamachar.in-જામનગર:
જામનગરનું વીજતંત્ર પોતે PGVCL માં સૌથી મોટું સર્કલ છે એવું ગૌરવ અનુભવે છે અને આ ઉપરાંત વીજતંત્રને નુકસાની થતી હોય એવા સંજોગોમાં સર્કલ મોટું છે તેથી નુકસાન વધુ થાય છે, એવો બચાવ પણ કરતું હોય છે. અહીં તંત્રવાહકોએ એ યાદ રાખવું જોઈએ કે, સર્કલ મોટું છે તો તંત્રનું સંચાલન વધુ સારી રીતે ગોઠવવું જોઈએ. વધુ કર્મચારીઓને કામે લગાડવા જોઈએ, PGVCL માંથી વધુ અને સારાં સાધનો મેળવવા જોઈએ, વધુ મોનિટરીંગ કરવું જોઈએ. મોટાં સર્કલને ટનાટન બનાવવા સરકાર સ્તરે કાંઈ ખૂટતું હોય તો જન પ્રતિનિધિઓની મદદ લઇ સરકારમાં અસરકારક રજૂઆત કરવી જોઈએ. આ બધી જવાબદારીઓ તંત્રની છે. સો વાતની એક વાત એ છે કે, પ્રમાણિક વીજગ્રાહકોને વીજસેવાઓ ટનાટન મળવી જોઈએ. તંત્ર ઉપકાર નથી કરતું, ગ્રાહકને ઉંચા ભાવે વીજળી વેચે છે. તેથી ગ્રાહકસેવાની ક્વોલિટી શ્રેષ્ઠ આપવી જ પડે. બહાનાબાજી ધંધામાં ન ચાલે. ગ્રાહક રાજા છે એ બાબત તંત્રએ માથે ચડાવવી જોઈએ. અધિકારીઓ અને કર્મચારીઓના જલસા ગ્રાહકના નાણાંને આભારી છે, એ હકીકત સમગ્ર તંત્રએ કાયમ યાદ રાખવી જોઈએ.
જામનગરમાં હજુ તો ચોમાસુ જામ્યુ નથી. માત્ર છાંટાછૂટી થાય છે. આવા બે છાંટામાં પણ વીજતંત્રના રામ રમી જાય છે. શહેરના તથા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાઈ જાય છે. ઘણાં બધાં વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ રહે છે. ઘણાં બધાં વિસ્તારોમાં તો 24 કલાક દરમિયાન બબ્બે ત્રણ ત્રણ વખત વીજપૂરવઠો ગાયબ થઈ જાય છે, બે છાંટામાં બધે જ સતત ફોલ્ટ અને આડેધડ વીજકાપ. આ ભયાનક હાલાકીઓથી પ્રમાણિક વીજગ્રાહકો ભારે પરેશાન છે. વીજના અભાવે લોકોનાં સેંકડો કામો ખોરંભે પડે છે. ગૃહિણીઓ અને બાળકો, વૃદ્ધોથી માંડી વેપારીઓ અને કારીગરો ઉપરાંત હજારો નોકરિયાતો વગેરેને વિવિધ પ્રકારની પરેશાનીઓ વેઠવી પડે છે.

વીજતંત્રના ટ્રાન્સફોર્મર વારંવાર ટ્રીપ થઈ જાય છે, સળગી જાય છે, ખોટકાઈ જાય છે, શોર્ટ સર્કિટ થાય છે, અથવા અન્ય કોઈ કારણસર કામ કરતાં બંધ થઈ જાય છે, આથી સંખ્યાબંધ વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ રહે છે. લોકો ભયાનક પરેશાનીઓનો અહેસાસ કરે છે. બીજી તરફ ટ્રાન્સફોર્મર ખરીદી, મેન્ટેનન્સ અને સમારકામ જેવા કામોમાં જામનગર સર્કલ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. સમગ્ર વર્ષ દરમ્યાન સમારકામ અને મેન્ટેનન્સના નામે તથા પ્રિ મોન્સૂન કામગીરીઓના નામે કરોડો રૂપિયાના બિલો બને છે અને ચૂકવણાં પણ થાય છે. કરદાતા ગ્રાહકોના આ કરોડો રૂપિયાનો વેડફાટ પણ થાય છે અને ભ્રષ્ટાચાર પણ થાય છે, જેને કારણે ગ્રાહકને સારી વીજસેવા ઉપલબ્ધ થતી નથી. તંત્રના અધિકારીઓ કામ કરવાની નિષ્ઠા ધરાવતાં ન હોય અને હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કામ કઢાવવાની આવડત કે ત્રેવડ ધરાવતાં ન હોય, એવી અરાજક સ્થિતિ જોવા મળી રહી છે.
પ્રમાણિક વીજ ગ્રાહક લૂંટાઈ પણ રહ્યો છે અને હાલાકીઓ વેઠવા પણ મજબૂર છે. જેને કારણે લોકોમાં તંત્ર અને સરકાર પ્રત્યે ભારે અસંતોષ, નારાજગીઓ અને રોષ છે. તંત્ર વરસો સુધી વીજવાયરો બદલાવતાં નથી. લોકોના સર્વિસ વાયરો પણ બદલાવતું નથી. ટ્રાન્સફોર્મરને સારી સ્થિતિમાં રાખી શકતું નથી. કોન્ટ્રાક્ટરો પાસે કામો લઈ શકતું નથી. વીજવાયરો ભૂગર્ભમાં લઈ જવાની કામગીરીઓ કરી શકતું નથી. ગ્રાહકો જે વીજલોડનો ઉપયોગ કરે છે, તે વીજલોડનો સર્વે અને ગણતરીઓ કરતું નથી. સમારકામ અને મેન્ટેનન્સ તથા ઈરેકશન સહિતની કામગીરીઓ અસરકારક રીતે કરી શકતું નથી. બધી જ રીતે નિષ્ફળ રહેલું આ તંત્ર દાયકાઓથી સુધારાઓ તરફ આગળ વધતું જણાયું નથી. ગ્રાહકસેવા મુદ્દે સરિયામ અને કાયમ નિષ્ફળ રહેતું આ તંત્ર સ્માર્ટ વીજમીટરની વાતો કરે છે ત્યારે પણ હાસ્યાસ્પદ હાલત છે, કારણ કે તંત્ર ખુદ સ્માર્ટ નથી. રાજ્યના ઉર્જા પ્રધાન ચમત્કાર કરી શકશે ? કયારે કરી શકશે ? એવા પ્રશ્નો પણ સાથેસાથે પૂછાઈ રહ્યા છે. અચરજની વાત એ પણ છે કે, આવી બાબતોમાં લાખો લોકો પરેશાન છે અને સરકાર આ મુદ્દે હાથ બાંધીને બેઠી છે.
