Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં વાત શિક્ષક ભરતીની હોય કે પોલીસ ભરતીની, વાત ફાયર પ્રિવેન્શન સિસ્ટમની હોય કે રખડતાં પશુઓના ત્રાસની- સરકારે વડી અદાલતમાં કાયમ નીચી મૂંડીએ ઉભું રહેવું પડે છે, જે દર્શાવે છે કે, ઉચ્ચ સ્થાનો પર બેઠેલાં સરકારી બાબુઓ અને સરકારમાં પોતાને બાહોશ લેખાવતાં નેતાઓ, ખરેખર બાહોશ નથી. અથવા, તેઓની નિયત શંકાના ઘેરામાં છે. વડી અદાલતમાં વધુ એક વખત સરકારને નીચાજોણું થયું છે અને પોલીસ ભરતીઓ મુદ્દે નવેસરથી એકડો ઘુંટવાની ફરજ પડી છે.
કોમી તોફાનો દરમિયાન જાનમાલને તથા જાહેર મિલકતને થતું નુકસાન અટકાવવામાં પોલીસની ભૂમિકાઓ સહિતના મુદ્દે વડી અદાલતમાં સુઓમોટો જાહેર હિતની અરજી થયેલી છે જેમાં પોલીસ ભરતીઓ અને રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી રહેલી જગ્યાઓ અંગે સરકારે વડી અદાલતમાં ઘણી બધી વિગતો સાથેની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરી. જો કે મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સરકારની આ બ્લ્યુ પ્રિન્ટને સાવ અધકચરી અને અસ્પષ્ટ ગણાવી છે અને હાઈકોર્ટે નવેસરથી તમામ વિગતો સાથેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવા નિર્દેશ આપી આ કેસની વધુ સુનાવણી હવે 18 જૂલાઈએ થશે એમ જાહેર કર્યું.
રાજ્ય સરકાર તરફથી આ સુનાવણી દરમિયાન પોલીસબેડામાં ભરતીઓ અને પ્રમોશન બાબતની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું કે, રાજ્યમાં PSI ની 304 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટ સહાયકે અદાલતનું ધ્યાન દોર્યું કે, રાજ્યમાં બિનહથિયારધારી પોલીસની 13,735 ખાલી જગ્યાઓ પૈકી 6,600 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ કરતાં ઓછી ભરતીઓ થાય તેમાં પ્રમોશનથી કેવી રીતે જગ્યાઓ ભરી શકાય ? ગત્ વર્ષે પણ સરકારે સીધી ભરતીઓ કરવાને બદલે બઢતીઓથી ખાલી જગ્યાઓ વધુ ભરી હતી. જેને કારણે અનેક જગ્યાઓ ખાલી જ રહી.
આ ઉપરાંત સુનાવણીમાં એ મુદ્દો પણ બહાર આવ્યો કે, રાજ્યમાં પોલીસ ભરતીઓ માટે વિશેષરૂપે બોર્ડ બનાવવામાં આવ્યું હોવા છતાં પરીક્ષાઓ ખાનગી એજન્સી લ્યે છે. સરકારની વિગતો અને બ્લ્યુ પ્રિન્ટને લઈ વડી અદાલતે અસંતોષ વ્યકત કર્યો હતો. વડી અદાલતે ચોક્કસ અને સંપૂર્ણ વિગતો સાથેની ટાઈમલાઈન રજૂ કરવા તાકીદ કરી છે. પોલીસબેડામાં પ્રમોશનથી થતી ભરતીઓ વહેલી પૂરી કરી દેવા અંગે પણ વડી અદાલતે ટકોર કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ, પોલીસમાં ભરતીઓ માટે આયોગ અને ગાઈડલાઈન બનાવવાની રહે છે. સરકારે કહ્યું: માર્ચ, 2024માં પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. જો કે અદાલતે નોંધ લીધી કે, આ ભરતી બોર્ડ અને તેના સભ્યો વિષેની માહિતીઓ અદાલત સમક્ષ મૂકવામાં આવી નથી. આ બોર્ડની રચના સભ્યો નોમિનેટ કરીને કરવામાં આવી નથી. આથી વડી અદાલતે રાજ્યના ગૃહવિભાગના સચિવને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતીઓ તથા આગામી સમયમાં ભરતીઓ કેવી રીતે અને ક્યારે થશે તથા તે માટેની પ્રોસેસ શું હશે, વગેરે વિગતો રજૂ કરવા જણાવ્યું છે.