Mysamachar.in-કચ્છ:
તાજેતરમાં કચ્છમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહને સાંકળતું થાર પ્રકરણ ગાજયું. આ પ્રકરણમાં પોલીસે આ બંને વિરુદ્ધ અલગઅલગ 2 FIR દાખલ કરી છે. એક FIR પોલીસ પર થાર ચડાવી દેવાના પ્રયાસ સંબંધિત છે અને બીજી FIR આ થારમાંથી મળી આવેલાં શરાબ સંબંધિત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ થયો ત્યારે આ બુટલેગર અને આ લેડી કોન્સ્ટેબલ બંને થારમાં સવાર હતાં.
પોલીસે જેતે સમયે આ મામલામાં બે FIR દાખલ કરેલી. જે પૈકી પોલીસ પર વાહન ચડાવી દેવાના પ્રયાસ કેસમાં અદાલતે નીતા ચૌધરીના રિમાન્ડની પોલીસની માંગણી નામંજૂર કરી હતી. ત્યારબાદ પોલીસે થારમાં રહેલાં શરાબ સંબંધિત જે FIR દાખલ કરી છે તે પ્રોહિબિશન કેસમાં અદાલતે નીતા ચૌધરી અને યુવરાજસિંહ બંનેના 2-2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ લેડી કોન્સ્ટેબલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોતાની છેલછબીલી ઈમેજ ધરાવતી રીલ્સ અપલોડ કરવા મામલે જાણીતી છે. આ કોન્સ્ટેબલ ઘણાં સમયથી ચર્ચાઓમાં રહે છે. તેણી CID ક્રાઈમ વિભાગમાં કોન્સ્ટેબલ છે. આ લેડી કોન્સ્ટેબલ વિરુદ્ધ ખાતાંકીય પગલાંઓ લેવામાં આવતાં ન હોય, સમગ્ર ડીપાર્ટમેન્ટ અંગે તથા આ કોન્સ્ટેબલ વિશે લોકોમાં તરેહતરેહની ચર્ચાઓ થઈ રહી છે.