Mysamachar.in-ગાંધીનગર:
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ રૂલ્સ અપડેટ કરવામાં આવ્યા છે. જે કહે છે કે, કોઈ પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા ઈચ્છતી હોય, તેણે આ માટે ઓનલાઈન સ્ટડી મોડયુઅલમાં સ્ટડી કરવાનો અને ઓનલાઈન ટેસ્ટ આપવાની અને આ ટેસ્ટમાં ઓછામાં ઓછાં 60 ટકા માર્કસ મેળવવાના, તો જ તેને ટેસ્ટમાં પાસ થયેલ જાહેર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ રૂલ્સ છેક ફેબ્રુઆરી-2023માં નોટિફાઈ કર્યા હતાં. આજની તારીખે ગુજરાતમાં આ રૂલ્સનો અમલ શરૂ કરવામાં આવ્યો નથી. આ નિયમોમાં કહેવાયું છે કે, જે વ્યક્તિએ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી હોય, તેણે અરજીની તારીખથી માત્ર 7 દિવસની અંદર ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોર્ટલ પર સેઈફ ડ્રાઇવિંગ માટેના ટ્યુટોરિયલ પૂર્ણ કરવાના રહેશે. અરજદાર પોતાની રીતે અથવા કોઈ ફેસિલિટેશન સેન્ટર મારફતે આ ટયુટોરિયલ પૂર્ણ કરી શકે છે. જે બાદ ટેસ્ટ આપવાની. આ ટેસ્ટમાં અગાઉ પાસિંગ માર્ક 75 ટકા રાખવામાં આવેલાં, જે ઘટાડીને 60 ટકા કરવામાં આવ્યા છે. ટૂંકમાં 15 પ્રશ્ન પૈકી 9 પ્રશ્નના ઉત્તર સાચાં આપવા પડે, તો જ ઉમેદવાર ટેસ્ટમાં પાસ થઈ શકે.
દેશના ઘણાં બધાં રાજ્યમાં આ ઓનલાઈન મોડયુઅલ વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવેલી છે. ગુજરાતમાં હજુ આ અમલ થયો નથી. નવો નિયમ કહે છે: ઓનલાઈન ટ્યુટોરિયલ ઓછામાં ઓછું 2 કલાકનું હોવું જોઈએ. ટેસ્ટના સ્થળ પર તેની વ્યવસ્થાઓ RTO એ કરવાની રહે છે. બાદમાં’સારથિ’ પોર્ટલ દ્વારા અરજદારનું કોર્સ કમ્પલીશન સર્ટિફિકેશન કરી તેને લર્નિંગ લાયસન્સ આપવાનું રહે.
મતલબ કે, ટેસ્ટ બાદ અરજદારે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા RTO જવાની જરૂરિયાત નથી. ઘરે બેઠાં આ લાયસન્સ મેળવી શકાય. જો કે આ બાબત અંગે હજુ સુધી ગુજરાતના ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુ દ્વારા કોઈ જ કોમેન્ટ જાહેર કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ નિયમો નોટિફાઈ થયા એને સવા વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે.
આ વ્યવસ્થાઓ અને નિયમો એટલાં માટે કરવામાં આવ્યા છે કે, હવે પછીના નવા વાહનચાલકો અને ધંધાદારી ડ્રાઇવર સલામત ડ્રાઇવિંગ અંગે વધુ અને સારી જાણકારીઓ મેળવી શકે જેથી અકસ્માતો ઘટાડી શકાય. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અંગૂઠાછાપ ડ્રાઇવર અસંખ્ય છે. અકસ્માતો પણ પુષ્કળ થઈ રહ્યા છે. લોકો કમોતે મરી રહ્યા છે.