Mysamachar.inજામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી આગ લાગવાના નોંધાતા બનાવોમાં કોઈ કારણસર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સવારે આગનો વધુ એક બનાવ નોંધાયો છે. આગનો આ બનાવ શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં નોંધાયો છે, એક સરકારી કચેરીમાં આગ લાગી છે એવો કોલ ફાયરશાખાને આજે સવારે સાડા આઠ વાગ્યે પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ ફાયરશાખાની ટૂકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બૂઝાવી હતી.
આજે બુધવારે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ ફાયરશાખાને એવો કોલ આવ્યો હતો કે, શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી સરદાર ભવનના નામે ઓળખાતી ઈમારતના પ્રથમ માળ પર બેસતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં આગ લાગી છે. આ કોલ આવતાં જ ફાયર સ્ટેશન ઓફિસર ડામોરની આગેવાની હેઠળની એક ટૂકડી ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. આ ટૂકડીએ પાણીના બે ટેન્ડર વડે આગ બૂઝાવી હતી. પ્રાથમિક અનુમાન એવું છે કે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવું બની શકે છે. (જો કે આગના મોટાભાગના બનાવોમાં આવા જ કારણો જાહેર કરવામાં આવતાં હોય છે, આટલી બધી જગ્યાઓ પર શોર્ટ સર્કિટ થાય છે ? શા માટે થાય છે ? આવી ઘટનાઓ માટે કોઈને જવાબદાર ઠરાવી શકાય કે કેમ ? વગેરે પ્રશ્નો અંગે સૌ મૌન રહે છે)

ફાયર સેફટી ઓફિસર ડામોરને Mysamachar.in દ્વારા સવારે 09:18 વાગ્યે વિગતો માટે કોલ કરવામાં આવ્યો હતો. અમો અત્યારે કુલિંગ કામગીરીઓમાં છીએ ( કુલિંગ ઓફિસરે કરવાનું હોય કે ફાયર કર્મચારીઓએ ?) થોડીવાર પછી વિગતો આપી શકાશે, એમ જણાવી તેઓએ આગ અંગે ટૂંકમાં, ચાલુ ફોનમાં વિગતો આપવાનું ટાળી દીધું હતું. આપણે સૌ જાણીએ છીએ કે, આગ ઓલવાઈ ગયા બાદ ઘટનાસ્થળે સૌ વાતોમાં વ્યસ્ત હોય છે, લાંબી લાંબી વારતાઓ ચાલતી રહેતી હોય છે.
Mysamachar.in દ્વારા GPCBની આ કચેરીના વડા G.B.ભટ્ટએ પણ આગની ઘટનાને લઈને મીડિયા સાથેની વાતચીતમાં ગોળ ગોળ વાર્તાઓ કરી હતી, અને હવે ફાયર આ આગ અંગે તપાસ કરશે તેમ જણાવ્યું હતું , અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ કચેરીમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી ફર્નિચર રિનોવેશનની કામગીરીઓ થઈ રહી છે. આ કચેરીની ગતિવિધિઓ પણ હંમેશા ભેદી રહી હોય, આ આગ પણ શહેરની શંકાસ્પદ આગો પૈકીની એક હોય શકે છે. આ આગમાં ઘણી સરકારી ફાઇલો અને ઘણી ખાનગી કંપનીઓ અને ઉદ્યોગો સાથે સંકળાયેલી ફાઇલો સળગી ગઈ હોય, એવું પણ બની શકે છે.
આ કચેરીથી થોડે દૂર એક કોચિંગ ક્લાસ આવેલો છે જ્યાં ઘણાં બધાં વિદ્યાર્થીઓ હોય છે. આગના બનાવની જાણ થતાં આ ક્લાસના વિદ્યાર્થીઓ સહિતના આસપાસના સૌ લોકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આગની આ ઘટના અંગે બાદમાં સત્તાવાર વિગતોની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આગની આ ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશનોઈએ જણાવ્યું હતું કે, આગ અંગેની વિગતો હજુ મેળવવામાં આવી રહી છે. ફર્નિચર વગેરે સળગી ગયું છે. અને, કચેરીના વડા જીબી ભટ્ટે જણાવ્યું હતું કે, સવારે સવા આઠ વાગ્યા આસપાસ આગ લાગી હોવા અંગે જાણ થઈ હતી. આગ લાગવાના કારણની તપાસ ફાયરશાખાની કામગીરીઓ પછી જાહેર થઈ શકશે.
