Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓ અને રાશનકાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે, એ બધી જ બાબતોનો ડેટાબેઝ માઈક્રોસોફટના જે સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી આ સર્વર હાલ સપોર્ટ કરતું નથી અને તેથી ઓનલાઈન કામગીરીઓમાં અનેક પ્રકારની હાલાકીઓ જોવા મળી રહી છે. આ તમામ હાલાકીઓ નિવારવા માટે સરકાર સર્વર માઈગ્રેટ કરી રહી છે, આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે. આ બંને કામગીરીઓને કારણે આજે 2 જૂલાઈથી 7 જૂલાઈ સુધી સસ્તાં અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ જ કામગીરીઓ થઈ શકશે નહીં,

આ ઉપરાંત કોઈ પણ રાશનકાર્ડધારક અથવા નવું કે ડુપ્લિકેટ રાશનકાર્ડ મેળવવા ઈચ્છતી વ્યક્તિ રાશનકાર્ડ સંબંધિત સુધારાઓ કે વધારા 7 જૂલાઈ સુધી ઓનલાઈન કરાવી શકશે નહીં. જામનગરના જિલ્લા પૂરવઠા અધિકારી એસ.બી.બારડએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, સર્વર માઈગ્રેટ થઈ ગયા બાદ થમ્બ પ્રિન્ટ સહિતના ફીચરમાં સુધારાઓ આવતાં લોકોની તથા દુકાનદારોની સુવિધાઓમાં વધારો થઈ શકે છે.
