Mysamachar.in-જામનગર:
ગઈકાલનો, પહેલી જૂલાઈનો દિવસ એક અર્થમાં નોંધપાત્ર હતો. કારણ કે, જામનગર સહિત સમગ્ર દેશમાં ગઈકાલથી 3 નવા ફોજદારી કાયદાઓનો અમલ શરૂ કરવામાં આવ્યો. આ 3 નવા કાયદાઓએ જૂના કાયદાઓનું સ્થાન લઈ લીધું છે. આ નવા 3 ફોજદારી કાયદાઓના અમલના પ્રથમ દિવસે જામનગર શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં કેટલી અને કઈ કઈ ફરિયાદો દાખલ થઈ, એની જાણકારીઓ રસપ્રદ છે.
નવા કાયદાઓ 30મી જૂને રાત્રિના બાર વાગ્યાથી અમલમાં આવી ગયા બાદ, જિલ્લાની પ્રથમ FIR મેઘપર પડાણા પોલીસ મથકમાં 30મી એ રાત્રે દોઢ વાગ્યે નોંધવામાં આવેલી. જેમાં મોટી ખાવડી ટાઉનશિપ સેકટરમાં રહેતી એક વ્યક્તિએ વ્યાજ મામલે તથા ત્રાસ ધમકી આપવા બાબતે જામનગરના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો 308(2), 351(2)(3) તથા 54 મુજબ આ ફરિયાદ દાખલ કરી છે.

જિલ્લામાં 30 જૂનની રાત્રિના 12 વાગ્યા બાદ અને તા. 1 જૂલાઈ રાત્રિના બાર વાગ્યા સુધીમાં જુદાં જુદાં પોલીસ મથકોમાં કુલ 8 ફરિયાદ દાખલ થઈ છે. જેમાં કેબલ સળગાવવો, વ્યાજ, ત્રાસ, ધમકી, જાહેરમાં જુગાર, દેશી દારૂ, શરાબ, અકસ્માત ઈજાઓ, હુમલો અને વીજ આંચકાથી મોત સહિતના ગુનાઓ અને બનાવ દાખલ થયા છે. ટૂંકમાં, પ્રથમ દિવસે કોઈ નોંધપાત્ર કે ગંભીર ગુનો નોંધાયો નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ આ કાયદાઓના અમલના પ્રથમ દિવસે લોકસભામાં સ્પષ્ટતાઓ કરી કે, પોલીસ કસ્ટડી 15 દિવસની રહી શકે છે, ચોક્કસ કિસ્સાઓમાં આ કસ્ટડી 60 દિવસ સુધીની થઈ શકે છે. અને, FIR નોંધાયાના 3 વર્ષની અંદર સુપ્રિમ કોર્ટ સુધીના સ્તરમાં ન્યાય મળી શકે છે. જૂના કાયદાઓમાં દંડ પર ભાર હતો, નવા કાયદાઓમાં ન્યાયને મહત્ત્વ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે પ્રથમ દિવસે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પ્રથમ દિવસે 164 fir નવા કાયદાઓ મુજબ નોંધાઈ છે.